દિવાળીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, એસટી વિભાગ બે હજારથી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે

દર વર્ષે દિવાળીમાં ટ્રેન, બસ અને ખાનગી બસોમાં એડવાન્સ બૂકિંગ થઇ જતુ હોય છે. ટ્રેન અને એસટી બસોમાં વેઇટિંગ ચાલતા હોય છે. જેના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનારા લોકોને હાલાકી પડતી હોય છે. ત્યારે આ વર્ષે આવા લોકોને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી પર્વ પર લોકો તહેવાર મનાવવા પોતાના વતન જતા હોય છે. આવા સમયે રેલવે અને STમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. જો કે આ વર્ષે દિવાળીમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ બાદ હવે ST વિભાગ પણ ચિંતિત બન્યું છે. મુસાફરો માટે દિવાળી પર્વ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ હાથ ધર્યું છે. ST વિભાગે 2200 એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.

દિવાળીનો પર્વ હવે નજીક છે. દિવાળી વેકેશમાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. મોટી સંખ્યામાં લોકો દિવાળીમાં એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હોય છે. દર વર્ષે ટ્રેન, બસ અને ખાનગી બસોમાં એડવાન્સ બૂકિંગ થઇ જતુ હોય છે. ટ્રેન અને એસટી બસોમાં વેઇટિંગ ચાલતા હોય છે. જેના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનારા લોકોને હાલાકી પડતી હોય છે. ત્યારે આ વર્ષે આવા લોકોને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા લગભગ 20 થી 30 ટકા વધારે બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે 1500 જેટલી બસોનું સંચાલન કરાયું હતું. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.

ST વિભાગ દ્વારા 2200 જેટલી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે 1700 બસ માત્ર સુરત શહેર માટે જ ફાળવવામાં આવી છે. કારણ કે સુરત શહેર કાપડ અને રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલું સૌથી મોટું શહેર છે. સુરતમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ જોવા મળે છે, મોટાભાગે અન્ય રાજ્યના લોકો ત્યાં વસવાટ કરીને નોકરી કરતા હોય છે. જેથી સુરત શહેરથી સૌથી વધારે લોકો પોતાના વતન એવા અન્ય શહેર વડોદરા, અમદાવાદ, રાજકોટ કે પછી સૌરાષ્ટ્રના શહેર જતા હોય છે. જેને લઈને સુરત માટે જ માત્ર 1700 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. તે સિવાય દિવાળી પર્વ પર જો કોઈ પણ સ્ટેશન કે ડેપો ખાતે મુસાફરોની સંખ્યા વધે અને ભીડ થાય તો તેવા સમયે ત્યાંના મેનેજરને જરૂર જણાય તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા પણ સૂચન કર્યું છે. જેથી મુસાફરોની ભીડને પહોંચી શકાય અને લોકોને સુવિધા પણ આપી શકાય. એક્સ્ટ્રા બસો 7 નવેમ્બરથી દિવાળીના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ST વિભાગ દ્વારા જે 1500 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે સંચાલન થકી 3 લાખથી પણ વધારે મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. જેના કારણે એસટી વિભાગને અંદાજે 6 કરોડ જેટલી આવક થઈ હતી.આ વર્ષે જ્યારે બસોના સંચાલનમાં વધારો કર્યો છે. ત્યારે એસટી વિભાગને અંદાજ છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે એસ ટી વિભાગ ને લગભગ બે કરોડ જેટલી વધુ આવક થશે. એટલે કે એસટી વિભાગે 8 કરોડ જેટલી આવકનો અંદાજ દિવાળી સમય દરમિયાન લગાવ્યો છે.