ડીસા સબજેલના ૧૫ કેદીઓને ફૂડ પોઇઝનિંગ, તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યાં

ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા સબજેલના કાચા કામના કેદીઓને ફૂડ પોઇઝનિંગની અસરથી તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ડીસાના નાયબ કલેક્ટર, વિભાગીય પોલીસ અધિક્ષક અને ત્રણેય પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર સહિત પોલીસ કાફલો ડીસાની સરકારી હોસ્પિટલ પર ખડકી દેવામાં આવ્યો હતો.

ડીસા સબજેલમાં રહેલા કેદીઓની સલામતીની જવાબદારી તંત્રની હોય છે અને આજે ડીસામાં ક્યાંકને ક્યાંક તંત્ર તેમની આ જવાબદારી નિભાવવામાં ઊણું સાબિત થયું છે. ડીસામાં આવેલી સબજેલમાં રહેલા કાચા કામના ૩૦ જેટલા કેદીઓમાં ત્રણ કેદીઓને અચાનક બપોરના ભોજન બાદ ઉલટીઓ થવા લાગી હતી. આ ઘટનાને પગલે કેદીઓને તાત્કાલિક અસરથી ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સબજેલના ૩૦ કેદીઓમાંથી ત્રણ કેદીઓને જ ઉલટી થઈ હતી. જ્યારે પંદર જેટલા કેદીઓને માત્ર તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ અમારી ટીમે સિવિલ હોસ્પિટલ પર પહોંચીને જોયું ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં ૧૫ જેટલા દર્દીઓને સ્ત્રી વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. આ ઘટનાને પગલે ડીસાના વહીવટી તંત્ર દ્વારા ફૂડ વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને કેદીઓએ આરોગેલા ભોજનના નમૂના લઈને તપાસ અર્થે મોકલ્યા હતા.

આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું છે તે અંગે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ફૂડ વિભાગની ટિમ નમૂના લઈ રહી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય શું છે તે બહાર આવશે…! આ સાથે ડીસાના નાયબ કલેક્ટરે કબૂલાત કરી હતી કે, તંત્રના નિરીક્ષણ હેઠળ રહેલા કેદીઓને આપવામાં આવેલા ભોજનમાં જો કોઈ ખામી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે ડીસાના નાયબ કલેક્ટર નેહલ પંચાલે જણાવ્યુ હતુ કે, ‘ડીસા સબજેલના ૧૫ જેટલા કેદીઓને અત્યારે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તમામ કેદીઓની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ જેલમાં રહેલા કેદીઓની સલામતીની જવાબદારી તંત્રની જ હોય છે. ત્યારે આજે બનેલી ઘટના બાદ શું તંત્ર આ ઘટનામાં ક્સૂરવાર કોણ છે તેની તપાસ કરશે? તપાસ કર્યા બાદ ક્સૂરવાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે? તેને લઈ લોકોમાં ચર્ચા ચાલી રહી છે!