ડીસામાં મેડિકલ પર ખેડૂતની રૂપિયા ભરેલી થેલીને ચેકો મારી એક લાખની ચોરી

ડીસા,ડીસામાં ભરબજારમાં ધોળા દિવસે એક વૃદ્ધ ખેડૂત લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. બેંકમાંથી પૈસા લઈ નીકળ્યાં બાદ અજાણી બે મહિલાઓએ ખેડૂતના થેલાને ચેકો મારી એક લાખ રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ જતાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ડીસા તાલુકાના ભોયણ ગામે રહેતા ૬૩ વર્ષીય કેસાજી ઠાકોર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ બે દિવસ અગાઉ તેમના પૌત્ર કિરણ ઠાકોર સાથે ફુવારા સર્કલ પાસે આવેલી સ્ટેટ બેક્ધ ઓફ ઇન્ડિયામાંથી એક લાખ રૂપિયા ઉપાડવા ગયા હતા અને એક લાખ રૂપિયા કપડાંની થેલીમાં મૂકી નેમિનાથ સોસાયટી પાસે આવેલી ધનલક્ષ્મી મેડિકલ ખાતે અનાજમાં જીવજંતુ મારવાની દવા લેવા ગયા હતા. જ્યાં ધનલક્ષ્મી મેડિકલ પર અજાણી બે મહિલાઓએ ખેડૂતના થેલાંને ચીરો મારી એક લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

ખેડૂત જ્યારે દવાના પૈસા આપવા ગયો ત્યારે થેલામાંથી પૈસાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તરત જ તેમણે તેમના પૌત્ર સાથે અજાણી મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બે દિવસ સુધી આ મહિલાઓની કોઈ જ માહિતી ન મળતા આખરે તેમણે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે તેમની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસે કેશાજી ઠાકોરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.