
નવીદિલ્હી,
મૈનપુરી લોક્સભા પેટાચૂંટણી જીત્યા બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે સંસદ સભ્ય તરીકે શપથ લીધા.ડિમ્પલ પોતાના પતિ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે દિલ્હીમાં સંસદ ભવન પહોંચ્યા હતા. સાંસદ તરીકે શપથ લીધા બાદ ડિમ્પલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
મૈનપુરી પેટાચૂંટણીમાં, ડિમ્પલે ભાજપના રઘુરાજ શાક્યને ૨,૮૮,૪૬૧ મતોના માજનથી હરાવ્યા હતા. મૈનપુરી બેઠક માટે ભાજપે લગાવેલા તમામ રાજકીય ગણિત નિષ્ફળ ગયા હતા. પોતાની જીત બાદ ડિમ્પલે કહ્યું હતું કે, ’મૈનપુરીના લોકો અને તે તમામ લોકોનો આભાર જેમણે અમને સમર્થન આપ્યું છે. મૈનપુરીના લોકોએ ઈતિહાસ રચ્યો છે. આ જીત નેતાજીની જીત છે અને આપણી આ જીત નેતાજીને શ્રદ્ધાંજલિ રૂપે સમપત છે.
ડિમ્પલ યાદવની જીત બાદ વધુ એક મોટો વિકાસ થયો છે. અખિલેશ યાદવના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવે પોતાની પાર્ટીનું સપામાં વિલય કરી લીધું હતું. સૈફઈમાં અખિલેશ કાકા શિવપાલ યાદવને મળ્યા અને સપાના વડાએ તેમને પાર્ટીનો વજ આપ્યો. આ પ્રસંગે સપા અને પ્રસ્પાના સેંકડો સમર્થકોએ ખૂબ તાળીઓ પાડી હતી.
મૈનપુરી પેટાચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ હતી કે શિવપાલ યાદવની જસવંત નગર વિધાનસભામાં ડિમ્પલ યાદવને મોટી લીડ મળી હતી. ડિમ્પલને અહીં સૌથી વધુ વોટ મળ્યા છે. મૈનપુરીમાં, મતદાન ૫૪.૩૭ ટકા હતું, જ્યારે ૨૦૧૯ સામાન્ય ચૂંટણીમાં, મતદાન ૫૭.૩૭ ટકા હતું. જનતા દળ યુનાઈટેડ સિવાય લોકદળે પણ મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડી રહેલી ડિમ્પલ યાદવને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સિંહે કહ્યું હતું કે લોકદળ અને સપાના જૂના સંબંધો છે. લોકદળ હંમેશા મુલાયમ સિંહ યાદવનું સન્માન કરે છે, તેથી જ લોકદળે ડિમ્પલ યાદવને સમર્થન આપ્યું હતું.