ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ ’ચમકીલા’ના ખૂબ વખાણ થયા હતા, તો બીજી તરફ ’ક્રુ’માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. તો બીજી તરફ વિદેશમાં તેની મ્યુઝિક ટૂરનો ક્રેઝ શ્રોતાઓને આકષત કરી રહ્યો છે. હવે દિલજીત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી છે.
કેનેડામાં પર્ફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ પોતે લીધી હતી. દિલજીતના કોન્સર્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરનાર ટૂડોએ તેની સાથે તસવીર ક્લિક કરાવી અને સ્ટેજ પર રમૂજી પળો પણ શેર કરી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ દિલજીત સાથેની તસવીરો શેર કરી છે. પીળો શર્ટ અને લાલ પાઘડી પહેરેલ દિલજીત ટૂડો સાથે હાથ મિલાવતો જોવા મળે છે. ટૂડોએ તસવીર સાથે લખ્યું, ’દિલજીત દોસાંજને તેના શો પહેલા શુભકામનાઓ આપવા રોજર્સ સેન્ટર પહોંચ્યા. કેનેડા એક મહાન દેશ છે, જ્યાં પંજાબનો છોકરો ઇતિહાસ રચી શકે છે અને સ્ટેડિયમ સોલ્ડ આઉટ કરી શકે છે. વિવિધતા એ માત્ર આપણી શક્તિ નથી, તે આપણી સુપર પાવર છે.
દિલજીતે તેના શો પહેલા ટૂડો સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ટૂડો દિલજીતના આખા ગ્રૂપને મળતા અને તેમનો ડાન્સ અને પર્ફોર્મન્સ જોતા જોવા મળે છે. તે દિલજીતની ટીમને ચીયર પણ કરી રહ્યા હતા અને ’પંજાબી આ ગયે ઓયે’ કહીને બધા સાથે પોઝ આપી રહ્યા હતા. ટૂડો સાથે વીડિયો શેર કરતા દિલજીતે લખ્યું, ’વિવિધતા કેનેડાની તાકાત છે. વડાપ્રધાન જસ્ટિન ટૂડો ઇતિહાસ રચાતા જોવા આવ્યા: અમે રોજર્સ સેન્ટરમાં સોલ્ડ આઉટ છીએ. ઉલ્લેનીય છે કે, વીકેન્ડમાં દિલજીતે કેનેડાના ટોરોન્ટોમાં પર્ફોર્મ કર્યું અને તે પહેલો પંજાબી કલાકાર બન્યો, જેનો શો રોજર્સ સેન્ટરમાં સોલ્ડ આઉટ ગયો.
ઉલ્લેખનીય છે કે, દિલજીત ખૂબ જ લોકપ્રિય વૈશ્ર્વિક કલાકાર બની રહ્યો છે. તાજેતરમાં તેણે જિમી ફેલોનના ’ધ ટુનાઈટ શો’માં પર્ફોર્મ કર્યું હતું, જે એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજીતે કોચેલામાં પણ પર્ફોર્મ કર્યું હતું અને તેની પંજાબી ફિલ્મ ’જટ્ટ એન્ડ જુલિયટ ૩’ નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ’જટ્ટ એન્ડ જુલિયટ ૩’ની વાત કરીએ તો નીરુ બાજવા સાથેની દિલજીત દોસાંજની આ ફિલ્મે ૧૫ દિવસમાં ૮૬ કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં, દિલજીતની ફિલ્મ ’કેરી ઓન જટ્ટા ૩’ પછી ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રૂ. ૧૦૦ કરોડનો ટાર્ગેટ વટાવી ચૂકી છે અને નંબર ૧ ભારતીય પંજાબી ફિલ્મ બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.