
મુંબઈ,
સુપરસ્ટાર દિલીપ કુમારની આજે એટલે કે ૧૧ ડિસેમ્બરના રોજ ૧૦૦મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે હેરિટેજ ફાઉન્ડેશને ’હીરો ઑફ હીરોઝ’ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. દિલીપ કુમારની ફિલ્મનું બીજીવાર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં સાયરા બાનો સહિત બોલિવૂડ સેલિબ્રેટર્સ સામેલ થયા હતા. આ ઇવેન્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સાયરા બાનો સ્વ. પતિ દિલીપ કુમારનું પોસ્ટર જોઈને ઇમોશનલ થઈ જાય છે.
જુહૂમાં ફિલ્મ સ્ક્રીનિંગ ૧૦ ડિસેમ્બરના રોજ સાંજે છ વાગ્યે રાખવામાં આવ્યું હતું, પરંતુ સાયરા બાનો રસ્તામાં હતાં એટલે સ્ક્રીનિંગ અડધો કલાક મોડું શરૂ કરવામાં આવ્યું હતું. સાયરા બાનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરે છે અને તેમણે હંમેશાં ચાહકોને સારી ફિલ્મ આપી છે. તેમનું કામ શાનદાર છે.
સાયરા બાનોએ દિલીપ કુમારના ફિલ્મ ફેસ્ટિવલ અંગે વાત કરતા કહ્યું હતું કે દિલીપ સાહેબ ની બર્થ એનિવર્સરી પર આ રીતના પ્રોગ્રામનું આયોજન થતાં તે ખુશ છે. જૂની ફિલ્મને બીજીવાર આ રીતે બતાવવાની જરૂર છે. તેમણે પ્રોગ્રામનું આયોજન કરનાર શિવિન ડુંગરપુરનો આભાર માન્યો હતો. સાયરા બાનોએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મ ફેસ્ટિવલનો સમય થોડો વધુ રાખવાની જરૂર હતી.
સાયરા બાનો દીવાલ પર ટીંગાડવામાં આવેલી દિલીપ કુમારની તસવીર જોઈને ઇમોશનલ થઈ ગયા હતા. પહેલાં તેમણે દિલીપ કુમારના પોસ્ટરને સ્પર્શ કર્યો હતો અને પછી તેમને આંખો ભરાઈ આવી હતી.
મુંબઈમાં શનિવાર, ૧૦ ડિસેમ્બરના રોજ બે દિવસ માટે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. આ ઇવેન્ટમાં વહીદા રહમાન, આશા પારેખ, દિવ્યા દત્તા, રમેશ સિપ્પી, પ્રેમ ચોપરા સહિતના સેલિબ્રેટર્સ સામેલ થયા હતા. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ’આન’, ’દેવદાસ’, ’રામ ઔર શ્યામ’, ’શક્તિ’ જેવી લોકપ્રિય ફિલ્મ દેશભરના ૨૦ શહેરના ૩૦થી વધુ થિયેટરમાં બતાવવામાં આવશે.