દિલીપ ઘોષને મમતા અંગે અશોભનીય ટિપ્પણી બદલ ભાજપે નોટિસ ફટકારી જવાબ માગ્યો

નવીદિલ્હી,પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અંગે વિવાદિત ટિપ્પણી કરનારા ભાજપ નેતા દિલીપ ઘોષને હવે પાર્ટીએ નોટિસ ફટકારી છે. નોટિસ જારી કરીને ભાજપે ઘોષના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી હતી અને આ સાથે તેમની પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે.

ભાજપે નોટિસ જારી કરીને કહ્યું કે, ’તમારું નિવેદન અભદ્ર અને અસંસદીય છે. આ ભાજપની પરંપરાઓ વિરુદ્ધ છે. પાર્ટી આવા નિવેદનોની આકરી ટીકા કરે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સૂચના મુજબ ખરેખર ભાજપ નેતા દિલીપ ઘોષે મમતા બેનરજી અંગે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે મમતા બેનરજી ક્યારેક પોતાને ગોવાની દીકરી કહે છે તો ક્યારેક ત્રિપુરાની દીકરી. તેમણે એ જણાવવું જોઈએ કે તેમના અસલી પિતા કોણ છે. ગમે તેની દીકરી બનવું યોગ્ય નથી. દિલીપ ઘોષના આ નિવેદનને મહિલાઓની ઓળખ સાથે જોડીને ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

દિલીપ ઘોષે કીર્તિ આઝાદ અંગે પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મમતા બેનરજીને પણ લપેટ્યાં હતા. ઘોષે કહ્યું હતું કે કીત આઝાદ દીદીનો હાથ પકડીને આવ્યા છે, તેમના પગ ધ્રૂજી રહ્યા છે. આઝાદને તેના જ લોકો પોતાનાથી દૂર ધકેલશે. બંગાળના લોકો ક્યારે તેમને હાંકી કાઢશે એ તેમને ખ્યાલ પણ નહીં આવે. ભાજપના નેતાએ કહ્યું હતું કે બંગાળને તેના ભત્રીજાની જરૂર છે. મુખ્યમંત્રીએ ગોવા જઈને કહ્યું કે, હું ગોવાની દીકરી છું. ત્રિપુરામાં કહ્યું કે હું ત્રિપુરાની દીકરી છું. પહેલા તેઓએ નક્કી કરવું જોઈએ કે તેમના પિતા કોણ છે? ગમે તેની દીકરી બનવું યોગ્ય નથી.