
રાયપુર, છત્તીસગઢનાં ફેમસ કોમેડિયન દેવરાજ પટેલનું રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ થયું છે. રાયપુરમાં કૉમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યાં હતાં જે દરમિયાન ટ્રકે ટક્કર મારી દેતા તેમનું કરુણ મોત થયું હતું. ’દિલ સે બુરા લગતા હૈ’ ડાયલોગથી દેશભરમાં પ્રસિદ્ધ એવા દેવરાજ પટેલનાં મૃત્યુ પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ પ્રતિક્રિયા આપી હતી.
કૉમેડિયન દેવરાજ પટેલનાં અવસાન પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરતાં કહ્યું કે ’દિલસે બુરા લગતા હૈ’થી કરોડો લોકોની વચ્ચે પોતાનું સ્થાન બનાવનારા, આપણને સૌને હસાવનારા દેવરાજ પટેલ આપણી વચ્ચેથી હવે જતાં રહ્યાં છે. આ અદ્ભૂત પ્રતિભાની ખોટ ઘણી દુ:ખદાયી છે. ઈશ્ર્વર તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ્ શાંતિ:’
દેવરાજ મૂળ મહાસમુંદ જિલ્લાનાં રહેવાસી હતાં પરંતુ રાયપુર જિલ્લામાં વીડિયોનાં કામથી નિવાસ કરતાં હતાં. સોમવારે પણ તેઓ વીડિયો બનાવવા જ જઈ રહ્યાં હતાં ત્યારે રાયપુર શહેરનાં લાભાંડી વિસ્તારમાં સ્પીડમાં આવતી ટ્રકે તેમને ટક્કર આપી દીધી અને દેવરાજનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. તેમનો પરિવાર પાલી ગામમાં રહે છે. દેવરાજનાં પિતા ઘનશ્યામ પટેલ ખેતી કરે છે.
યૂટ્યૂબ પર દેવરાજનાં ૪ લાખ સબસ્ક્રાઈબર છે. તેમને વીડિયોમાં મિલિયન વ્યૂઝ મળતાં હતાં. તેઓ અલગ-અલગ વિષયો પર કૉમેડી વીડિયોઝ બનાવતાં હતાં. ૨૦૨૧માં દિલ્હીનાં ફેમસ કૉમેડિયન ભુવન બામની સાથે ઢિંઢોરમાં પણ તેઓ કામ કરી ચૂક્યાં છે. એટલું જ નહીં તેમણે છત્તીસગઢ સરકારની ડોક્યૂમેન્ટ્રી ફિલ્મોમાં પણ સતત કામ આપ્યું છે. મુખ્યમંત્રી બઘેલની સાથેનો તેમનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.