
જામનગર,
જામનગરમાંથી એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. દીકરીનાં લગ્નના એક દિવસ પહેલાં જ પિતાએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી મચી છે. હજુ તો ગઇકાલે સાંજે જ લગ્નગીત અને માંડવાની રસમ પૂર્ણ થઈ હતી અને આવતીકાલે જાન આવવાની હતી. ત્યારે પિતાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં પરિવાર માથે આભ ફાટી પડ્યું છે. પરિવારના હૈયાફાટ રુદનથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ છે.

જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડે આજે વહેલી સવારે પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. વહેલી સવારે પિતાને ચા પીવડાવીને નરોત્તમભાઈ ઘરેથી નીકળ્યા હતા. જ્યારે થોડી જ વારમાં મોતના સમાચાર આવતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મૃતક નરોત્તમભાઈ, જેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે, જેમાંથી મોટી દીકરીનાં લગ્ન સિક્કા ગામે નક્કી થયાં હતાં અને આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોત્તમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્નપ્રસંગને લઈને એકત્ર થયો હતો અને ઘેર માંડવો પણ બંધાઈ ગયો છે. એ દરમિયાન આજે વહેલી સવારે પોતે બહાર ગયા હતા અને બાદમાં પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક નરોત્તમભાઈનો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહને લટક્તો જોઈને અવાચક બની ગયો હતો અને પરિવારને જાણ કરી હતી. જેથી લગ્ન સમારોહમાં માતમ ફેરવાઈ ગયો હતો અને પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ દ્રવી ઊઠ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કયા સંજોગોમાં તેમણે આત્મહત્યાનું પગલું ભરી લીધું એ અંગે પરિવારજનો કોઈપણ બાબત જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તેમને આથક કોઈ તકલીફ ન હતી અથવા તો અન્ય કોઈ દબાણ પણ ન હતું, તેમ છતાં કયા સંજોગોમાં લગ્નના આગલા દિવસે જ આ પગલું ભરી લીધું એ તપાસનો વિષય બન્યો છે. હાલમાં પરિવાર દ્વારા લગ્ન સમારોહ મોકૂફ રખાયો છે. જ્યારે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને પરિવારજનો દ્વારા અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવને લઈને મધુરમ સોસાયટી વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. મૃતક નરોત્તમભાઈનાં પત્ની અને ત્રણ પુત્રી અને એક પુત્રના હૈયાફાટ રુદનથી વાતાવારણ શોકમય બની ગયું છે.