દીકરાઓએ માતાના પ્રેમીને પતાવી દીધો:સળિયા-છરી વડે હુમલો કરી બે સગા ભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા; છેલ્લાં 4 વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું

કલોલના મોખાસણ ગામમાં માતાના પ્રેમસંબંધની અદાવતમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી બપોરે 12 વાગ્યે બે સગા ભાઇએ સળિયા અને છરી વડે હુમલો કરી માતાના પ્રેમીને પતાવી દીધો હતો. જે બાદ બંને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મોખાસણ ગામમાં રહેતા રતનજી છનાજી ઠાકોર (આશરે ઉં.વ.50)ના કૌટુંબિક ભાઈની દીકરીના લગ્ન હોય લગ્ન તારીખ નક્કી કરવા માટે મહેમાન ઘરે આવેલા હતા. જો કે, રતનજી છનાજી ઠાકોર ગામમાં જ રહેતાં મહેન્દ્રસિંહ બાબાજી ઠાકોરના ઘરે કડિયાકામ કરી રહ્યા હતા. તે દરમિયાન સંજય ઉર્ફે મંગાજી ઠાકોર અને જયેશ અમરાજી ઠાકોર નામના બે સગા ભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને રતનજી પર સળિયા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જયેશે લોખંડના સળિયા વડે રતનજીના માથા પર પાછળથી હુમલો કર્યો હતો, જ્યારે સંજયે છરી વડે માથા અને પેટના ભાગે ઘા કર્યા હતા.

ત્યાં જ કામ કરી રહેલા માણસા તાલુકાના સોજા ગામના જીકુજી પરમાર રતનજીને બચાવવા વચ્ચે પડ્યા તો આરોપીઓએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન લોકોની બૂમાબૂમ સાંભળી આરોપીઓ લાલ રંગની બાઈક પર હથિયારો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ બંને આરોપી કડીના જાકાસણ ગામે ભાગી હતા. જે તેમનું મૂળ ગામ છે. જ્યાં બન્ને આરોપી ત્યાંના પોલીસ સ્ટેશને હાજર થયા હતા. હાલ બંને આરોપીને કલોલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. જો કે, આ બન્ને આરોપીઓ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી મોખાસણ ગામમાં જ રહેતા હતા.

ગંભીર રીતે ઘાયલ રતનજી છનાજી ઠાકોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર અજય રતનજી ઠાકોરની ફરિયાદના આધારે કલોલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ હત્યા અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા 4 વર્ષથી આરોપીઓની માતા સાથે મૃતક રતનજીનું પ્રેમપ્રકરણ ચાલતું હતું. આ બાબતે 3 વર્ષ પહેલાં પણ ઝગડો થયો હતો અને આરોપીઓએ મૃતકને ઢોર માર માર્યો હતો. જો કે, તે સમયે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઇ ન હતી. આમ આરોપીઓએ માતાના પ્રેમસંબંધની અદાવતમાં આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને પકડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.