ડિંગુચા કેસનો રેલો કેનેડાની કોલેજો સુધી પહોંચ્યો:EDમાં કેનેડાની કોલેજો-એજન્ટ્સની સંડોવણી ખૂલી, એડમિશન લઈ કોલેજને બદલે વિદ્યાર્થીઓ USAમાં ઘૂસ્યા

કેનેડાથી લોકોને ષડ્યંત્ર રચીને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ 10 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સામે આવ્યું છે કે કેનેડાની કોલેજો અને ભારતીય એજન્ટ્સ વચ્ચે સાઠગાંઠ છે. આમ, ડિંગુચાનો રેલો કેનેડાની કોલેજો સુધી પહોંચ્યો છે.

10 અને 19 ડિસેમ્બરે ઇડીએ ડિંગુચાકેસમાં સંડોવાયેલા ભાવેશ અશોક પટેલ સહિત અન્ય શખસો સંબંધિત મુંબઈનાં 8 ઠેકાણાં તથા નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં તપાસ હાથ ધરી હતી. માનવતસ્કરીના આ કેસમાં બેંક એકાઉન્ટ્સની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને 19 લાખ રૂપિયા પણ મળ્યા છે, જેને સીઝ કરી દીધા છે. આ તપાસમાં બે સંસ્થાની પણ જાણ થઈ હતી, જેમાં એક મુંબઈ અને બીજી નાગપુરમાં હતી. તેઓ કમિશનના આધારે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન અપાવતી હતી.

આરોપ છે કે આ નેટવર્ક ઘણું હાઇ લેવલનું છે, જેમાં એક સંસ્થા દર વર્ષે લગભગ 25000 વિદ્યાર્થીને વિદેશી કોલેજમાં મોકલે છે. જ્યારે બીજી સંસ્થા 10,000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ મોકલે છે. તપાસમાં ગુજરાતમાં 1700 અને જ્યારે અન્ય રાજ્યોના 3500 એજન્ટ્સની સંડોવણી ખૂલી છે, જેમાંથી 800 એજન્ટ્સ હજુ પણ સક્રિય છે.

કેનેડિયન કોલેજોએ ફી એકાઉન્ટમાં પરત કરતાં મિલીભગતની આશંકા આરોપીએ તસ્કરીના નેટવર્કના ભાગરૂપે કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઝમાં વ્યક્તિઓને એડમિશનની સુવિધા પૂરી પાડી. ત્યાર બાદ આ વ્યક્તિઓએ કેનેડિયન વિઝા માટે એપ્લિકેશન કરી, પરંતુ કેનેડા પહોંચ્યા બાદ તેઓ કોલેજમાં ગયા નહીં અને એને બદલે ગેરકાયદે રીતે અમેરિકન બોર્ડર પાર કરી ગયા. કેનેડિયન કોલેજોએ આપવામાં આવેલી ફી લોકોના એકાઉન્ટમાં પરત કરવામાં આવી હતી, જેને કારણે સંસ્થાઓની મિલીભગતની પણ આશંકા જન્મી છે. આ રેકેટ દ્વારા અમેરિકામાં એન્ટ્રી કરવા માગતા ભારતીય નાગરિકો પાસેથી કથિત રીતે 55 લાખથી લઈ 60 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા.

આ ઉપરાંત ઇડીએ ઘટસ્ફોટ કર્યો કે 112 કેનેડિયન કોલેજના એક યુનિટ સાથે જ્યારે 150 કોલેજના અન્ય સંસ્થા કરારો કરીને સંકળાયેલી છે. ઈડીને શંકા છે કે કેનેડા-અમેરિકા બોર્ડર પાસેની અમુક સંસ્થાઓ સીધી રીતે માનવતસ્કરી સાથે સંડોવાયેલી હોઈ શકે છે.

શું છે સમગ્ર મામલો? 19 જાન્યુઆરી, 2022ના રોજ કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજેલી હાલતમાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. કલોલના ડિંગુચાનો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં દિવ્ય ભાસ્કર દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. આ હતભાગી પરિવારમાં જગદીશ પટેલ (ઉં.વ. 39) અને પત્ની વૈશાલી (ઉં.વ. 37)ને દીકરી વિહાંગી (ઉં.વ. 11) અને દીકરો ધાર્મિક (ઉં.વ. 3)નો સમાવેશ થતો હતો.