ડિજિટલ યુગમાં મતદાતાઓને ઉપયોગી બને એવી વિવિધ મોબાઇલ એપ

દાહોદ,

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે આગામી તા. 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લાના મતદાતાઓને આ મોબાઇલ એપ ઘણી ઉપયોગી થઇ રહેશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાતાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ સરળ મોબાઇલ એપ પણ મતદાતાઓને અતિઉપયોગી થઇ રહેશે.

PWD APP : PwD-Personal with Disablilityમોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.

Voter helpline application (VHA) લોન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા મતદારો પોતાનું નામ સર્ચ કરી શકે છે. ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે. ફરિયાદ કરી શકે છે અને મતદાર યાદી સંબંધિત મદદ મેળવી શકે છે.

Know Your Candidate ( KYC ) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે.

c -VIGIL મોબાઈલ એપ્લિકેશન: સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂંક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે.