મુંબઇ,
બોલિવૂડમાંથી વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ દિવંગત એક્ટર ગુરુ દત્તના બહેન જાણીતા ચિત્રકાર લલિતા લાઝમીએ ૯૦ વર્ષની વયે ૧૩ ફેબ્રુઆરીના અંતિમ શ્ર્વાસ લીધા હતા. લલિત લાઝમીના નિધનની જાણકારી ’ જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશન’એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. લલિતાએ આમિર ખાનની ફિલ્મ ’ તારે જમીન પર’ માં કેમિયો કર્યો હતો.
લલિતા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ શેર કરીને ફાઉન્ડેશન દ્વારા લખવામાં આવ્યું હતું કે, અમને તે જણાવતા ખુબ જ દુ:ખ થાય છે કે, લલિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, તેમને કોઈ પણ સંસ્થામાંથી ટ્રેનિંગ નથી લીધી, પોતાની જાતે શીખ્યું છે. લલિતાને ક્લાસિકલ ડાન્સમાં ખુબ જ રસ હતો. આર્ટવર્ક અને તેમના પરફોર્મન્સનેમાં એક ઉદાસી જોવા મળતી હતી,
ઘણાં યુઝર્સે લલિતાના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, ’તે એક અદ્ભુત મહિલા અને સંવેદનશીલ કલાકાર હતા. હું તેમની પાસેથી ઘણું શીખ્યો. તેમની આત્માને શાંતિ મળે.’ તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ’હું ૩ દિવસ પહેલા તેમના પ્રદર્શનમાં ગયો હતો, તેમના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુ:ખ થયું છે.’લલિતા લાઝમીને હંમેશા એ વાતનો અફસોસ રહેતો હતો કે તે પોતાના ભાઈ ગુરુ દત્તને બચાવી શક્યા ન હતો. ટાઇમ્સ લિટફેસ્ટ દરમિયાન લેખક યાસિર ઉસ્માને આ વાતનો ખુલાસો કર્યો હતો.
ગુરુ દત્ત પર લખાયેલ પુસ્તક ’ગુરુ દત્ત: એન અનફિનિશ્ડ સ્ટોરી’ વિશે વાત કરતાં યાસિરે જણાવ્યું હતું કે, ’આ પુસ્તક માટે સંશોધન દરમિયાન ગુરુ દત્તની બહેન લલિતાએ કહ્યું હતું કે તે તેને બચાવી શકી હોત, તે મદદ માટે બૂમો પાડી રહી હતી. પરંતુ તે સમયે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, તેને જીવનભર આ વાતનો અફસોસ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, લલિતાજીએ બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આમિર ખાનની ફિલ્મ ’તારે જમીન પર’ જે વર્ષ ૨૦૦૭માં રીલિઝ થઇ હતી, જેમાં ઈશાન નામના બાળકની કહાની દેખાડવામાં આવી હતી, ઈશાનને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો તો આમિર ખાને શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે આ ફિલ્મના એક છેલ્લા સીનમાં લલિતા લાઝમી પણ જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં તે શાળાની ચિત્ર સ્પર્ધામાં મહેમાન તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પરંતુ ખૂબ જ ખાસ હતો.