ડિબ્રૂગઢ જેલમાં અમૃતપાલ સિંહ અને તેના સાથી ભૂખ હળતાળ પર બેઠા, પત્નીએ પ્રશાસન પર લગાવ્યા આરોપ

ડિબ્રુગઢ, વારિસ પંજાબ દેના પ્રમુખ અને ખાલીસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અમૃતપાલ સિંહને હાલ આસામની ડિબ્રૂગઢ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેણે પોતાના સમર્થકો સાથે મળીને ભૂખ હળતાળ શરુ કરી દીધી છે. તેની પત્નીએ પ્રશાસન પર વિવિધ આરોપ લગાવ્યા છે. જેલ પ્રશાસન હળતાળ પૂરી કરવાની માગ કરી રહ્યા છે.

અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરે દાવો કર્યો હતો કે તેના પતિ અને તેના સમર્થકોને જેલમાં ફોન કોલ કરવાની મંજૂરી નથી. તેમને ખાવા માટે ખરાબ ખોરાક પણ આપવામાં આવે છે. વધુ માહિતી આપતાં કિરણદીપે કહ્યું કે જે વ્યક્તિ ભોજન બનાવવાની જવાબદારી ધરાવે છે તે તમાકુનું સેવન કરે છે. આવું કરવું શીખ ગૌરવની વિરુદ્ધ છે.

કિરણદીપ કૌરે વધુમાં કહ્યું કે તેના પતિ સહિત ૧૦ લોકોને જેલમાંથી ફોન પર તેમના પરિવારજનો અને વકીલો સાથે વાત કરવાની મંજૂરી નથી. કિરણદીપે આ માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે જો અટકાયતમાં લેવાયેલા કેદીઓને ફોન કોલ કરવાની મંજૂરી આપવામાં આવે તો તેનાથી તેમના પરિવારના સભ્યોને ડિબ્રુગઢ જેલમાં મુસાફરી ખર્ચમાં ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયાની બચત થશે.

આ મામલાની માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ સિંહ અને અન્ય સમર્થકોને જે ભોજન આપવામાં આવે છે તે જેલ મેન્યુઅલ મુજબ પ્રમાણભૂત ખોરાક છે. આ પહેલા કોઈએ ફરિયાદ કરી ન હતી, પરંતુ હવે તે બધા આક્રમક વર્તન કરવા લાગ્યા છે અને વિવિધ જાતના નખરા પણ કરવા લાગ્યા છે. આ તમામ કેદીઓ તેમના વકીલોને વારંવાર બોલાવવા માંગે છે, પરંતુ તેની મંજૂરી નથી.