સુરત, વિશ્ર્વનું સૌથી મોટું સુરતનું બિઝનેસ બિલ્ડિંગ ‘ડાયમંડ બુર્સ’ નજીકના સમયમાં કાર્યરત થવા જઇ રહ્યુ છે. ડાયમંડ બુર્સમાં હીરાનો કારોબાર શરૂ કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી ૨૧ નવેમ્બર ૨૦૨૩થી ડાયમંડ બુર્સમાં શુભારંભ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મુકાઇ શકે છે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્ર્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં ૨૧ નવેમ્બર ૨૦૨૩થી સુરત અને મુંબઈની વધુ ૧૬૦ ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ ૩૫૦ કંપનીઓએ ૨૧ નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે.
ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વધુ ૧૬૦ કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. ૩૫૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે, એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું. અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે.
આગામી ૨૧ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન અને અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. ૫,૫૫,૭૨૦ સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં ૪૬૦૦ ઓફિસ રૂપિયા ૩૦૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે ૪,૫૦૦ ઓફિસોનો સમાવેશ થાય છે.અત્યારે ૩૫૦ ડાયમંડ કંપનીઓએ ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એસડીબીના અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ૨૧ નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેક્ધ, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.