મુંબઇ,
બોલિવુડ એક્ટ્રેસ તબ્બુની ફિલ્મ ’દૃશ્યમ ૨’ હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. આ દરમિયાન કંગના રણૌતે તબ્બુના જોરદાર વખાણ કર્યા છે. અભિનેત્રીએ તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બચાવનાર સુપરસ્ટાર ગણાવી છે. કંગનાએ રવિવારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને તબ્બુના વખાણ કર્યા. તેણે લખ્યું, ’આ વર્ષે બોલિવુડની માત્ર બે ફિલ્મો ’ભૂલ ભૂલૈયા ૨’ અને ’દૃશ્યમ ૨’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ બંને ફિલ્મોમાં સુપરસ્ટાર તબ્બુએ કામ કર્યું છે.
તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે ૫૦ વર્ષનો આંકડો પાર કરવા છતા તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એકલા હાથે બચાવી રહી છે. અભિનેત્રીએ કહ્યું, ’તેમની પ્રતિભા અને નિરંતરતા પર ક્યારેય સવાલ ઉઠાવી શકાય નહીં, પરંતુ ઉંમરના આ તબક્કે સ્ટારડમના શિખરે પહોંચવું ખરેખર પ્રશંસનીય છે.’
આ પોસ્ટમાં આગળ કંગનાએ તબ્બુને પ્રેરણા તરીકે ગણાવી છે. અભિનેત્રીએ આગળ લખ્યું, મને લાગે છે કે મહિલાઓને તેમના કામ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ માટે વધુ શ્રેય આપવો જોઈએ… તેઓ ખરેખર એક પ્રેરણા છે.
જણાવી દઈએ કે અજય દેવગન સ્ટારર ફિલ્મ ’દૃશ્યમ ૨’ ૧૮ નવેમ્બરે રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં તબ્બુ અને અક્ષય ખન્ના પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બે દિવસમાં ૩૭.૦૭ કરોડનું કલેક્શન કર્યું છે. દૃષ્ટિયમ ૨ એ મલયાલમમાં સમાન નામની ફિલ્મની રિમેક છે જે ૨૦૨૧માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્રિયા સરન અજય દેવગનની પત્નીની ભૂમિકામાં છે. તો ઇશિતા દત્તા તેની પુત્રીના રોલમાં જોવા મળી છે.
આ પહેલા તબ્બુ ફિલ્મ ભૂલ ભુલૈયા ૨માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે ૧૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ ૧૮૫.૯૨ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન મશહૂર ડાયરેક્ટર અનીસ બઝમીએ કર્યું હતું.