સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રાના કોઢ રતનપર રોડ પરથી પાવડરની આડમાં દારૂ ભરીને જતા ટ્રકને ઝડપી પાડી ૧.૫૬ લાખનો દારૂ અને ટ્રક સહિત ૨૧.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાશી છૂટ્યો હતો. ધ્રાંગધ્રા ડીવાયએસપી જે. ડી.પુરોહિત દ્વારા દારૂ, જુગાર અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કામગીરી કરવાની સૂચનાઓને લઈને ધ્રાંગધ્રા તાલુકાનો સર્વેલન્સ સ્ટાફ રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ થકી નજર રાખતો હોય છે.
ત્યારે તાલુકા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન કુલદીપસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પરાક્રમસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, ભરતભાઈ અને સ્ટાફ દ્વારા કોંઢ રતનપર રોડ ઉપર નાયરા પેટ્રોલ પમ્પથી સહેજ આગળ એક અશોક લેલન ટ્રકનેે ઊભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને જોઈ ડ્રાઇવરે ટ્રક ભગાડી હતી. જેને પોલીસ દ્વારા થોડે દૂર આંતરવામાં આવતા ડ્રાઇવર ઝાડીનો આશરો લઇ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટ્રકને કબ્જે લઇ તપાસતા સફેદ પાવડરની બોરીઓ વચ્ચે છૂપાવેલો વિદેશી દારૂ વ્હીસકી અને વોડકાની કુલ ૮૦૪ નંગ બોટલ અને બિયરનાં ૧૨૦ ટીન શોધી પાડેલા હતા. દારૂ અને બિયરની કુલ કિંમત ૧,૫૬,૬૦૦ રૂપિયા તેમજ ટ્રકની કિંમત ૨૦ લાખ રૂપિયા સહિત કુલ મુદ્દામાલ ૨૧.૫૭ લાખનો ઝડપી પાડી નાશી છૂટેલ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તાલુકા પોલીસ દ્વારા દારૂ કોણે મંગાવેલ, ક્યાં ઉતારવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.