ધ્રાંગધ્રામાં સગીરા સાથે સાતેક માસ પહેલાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં મામાને મારી નાંખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ શહેરમાં રહેતા એક પરીવારની દિકરીના બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રથમ લગ્ન થકી થયેલ દિકરી તેઓ પિતાના ઘરે મુકીને સાસરે ગયા હતા. જેમાં સાતેક માસ પહેલા ૧૪ વર્ષની આ સગીર પુત્રીને ગામના આસીફ દીલાવરભાઈ જેડાએ સાતેક માસ પહેલા બપોરના સમયે બગીચાના રસ્તે સાઈડમાં કાર ઉભી રાખી તેમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં સગીરા સાથે તે અવારનવાર વાતચીત કરતો હતો. અને શાળાની બહાર પણ સગીરાને મળતો હતો. ગત તા. ૧૮મી મેના રોજ રાત્રે આસીફ જેડા છરી લઈને સગીરાના ઘરમાં ઘુસ્યો હતો. અને છરી બતાવી મામાને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા બળજબરી કરતો હતો. આ સમયે સગીરાના નાના જાગી જતા આસીફ જેડા ફરાર થઈ ગયો હતો. બનાવની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.યુ.મસી ચલાવી રહ્યા છે.