સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થિનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો હતો. આ વાતને પરિવાર દ્વારા છુપાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ: DEO આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આજે(22 જાન્યુઆરી, 2025) કહ્યું કે,આદર્શ પબ્લિક સ્કૂલની ઘટના મારા ધ્યાન પર આવી છે. ધો. 8ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. આ મામલે અમે પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થિનીના મિત્રો અને પરિવારજનોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે અને રિપોર્ટ બાદ જો શાળા સામે કોઈ વાંધો જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે, આ સાથે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે.
‘શાળા સંચાલક, આચાર્ય અને સહપાઠીઓના નિવેદન લીધા’ અમારા વર્ગ-2 અને વર્ગ-3 ના અધિકારીઓની તપાસ ટીમ આ મામલે કામગીરી કરી રહી છે. તેમણે શાળા સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીનીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે એ પછી શાળા સંચાલક મંડળમાં જવાબદાર છે તો સારા સંચાલક મંડળ સામે કાર્યવાહી કરવામાં આવશે.
‘અન્ય સ્કૂલમાં દોઢ વર્ષે અભ્યાસ છોડી દીધો હતો’ આદર્શ શાળામાં વિદ્યાર્થિનીનો પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થિની અગાઉ અન્ય શાળમાં ભણતી હતી અને અભ્યાસ દોઢ વર્ષે છોડી દીધો હતો. આ શાળામાં પ્રવેશ મેળવી ફરી અભ્યાસ શરૂ કરેલો છે. આ વિદ્યાર્થિની સાથે તેની બેન પણ ભણતી હતી. બંનેની ફી બાકી હતી એ હકીકત છે. પરંતુ વિદ્યાર્થિની 11 તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતથી વધારે પુષ્ટી કરી શકાય તેમ છે.
વિદ્યાર્થિનીના પિતા રિક્ષા ચલાવી પેટીયું રળે છે મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયેલાં રાજુ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની સહિત બે દીકરી અને એક દીકરો છે. જે પૈકી મોટી દીકરી ભાવના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ગત રોજ સાંજે દીકરીએ ઘરે પરત આવ્યા બાદ રડવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ઘરમાં જ કરિયાણાની દુકાનનું સંચાલન કરતી ભાવનાની માતાએ તેને ઘરના ઉપરના રૂમમાં કામ અર્થે મોકલી હતી.
ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ગયા બાદ ભાવનાએ દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ ઘણો સમય થઇ ગયા બાદ પણ ભાવના નીચે નહીં આવતા તેની માતા ઉપરના રૂમમાં પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો છતાં ખોલતા નહીં તેમને કંઈક અજુગતું થયું હોવાનો આભાસ થયો હતો. અને દરવાજો ખોલ્યા બાદ ભાવનાનો મૃતદેહ લટકતો જોતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
દીકરીને વર્ગખંડ બહાર ઊભી રાખવાની સજા ફટકારી હતી પિતા રાજુ ખટીક દ્વારા પુત્રીની સત્ર ફી ન ભરી હોવાના કારણે શાળાના સંચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી ભાવનાને વર્ગખંડની બહાર ઊભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું. જેને પગલે રાજુ ખટીક શાળામાં ફોન કરીને આવતા મહિને ફી ભરવા માટે જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે પણ શાળાના સંચાલકોએ ફી ન ભરી હોવાને કારણે ભાવનાને ક્લાસ બહાર જ ઊભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાથી ભાવનાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં ગોડાદરા પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા બાદ પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. આ સાથે જ શિક્ષણ નિરીક્ષક સહિતના ચાર લોકોની ટીમ દ્વારા પણ સ્કૂલે પહોંચીને તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. આ સાથે જ શિક્ષકો અને ટ્રસ્ટીઓના લેખિતમાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. સીસીટીવી ફૂટેજના પુરાવા પણ લેવામાં આવ્યા હતા. આ સાથે જ ગોડાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પરિવારજનોએ છોકરીને સ્કૂલે મોકલવાનું બંધ કરાવ્યું ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ આચાર્યએ જણાવ્યું હતું કે, ફીનો મામલો બપોર સુધીમાં પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ જ્યારે છોકરીના મિત્રોની પૂછપરછ કરવામાં આવી, ત્યારે પ્રેમ સંબંધનો એંગલ પણ સામે આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, આ કારણોસર પરિવારના સભ્યોએ છોકરીને સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. સોમવારે સાંજે 16 વર્ષની સગીરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને રાત્રે 9:30 વાગ્યે માહિતી મળી હતી.