ધોરાજીમાં ડો.મનસુખ માંડવીયા સામે વિવાદી પોસ્ટર વોર: ચૂંટણી પંચને ફરિયાદ

રાજકોટ : ધોરાજીમાં લોક્સભાના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવીયા અને લલિત વસોયાના ફોટા સાથે લાગેલા બેનામી પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે. સામાજિક સૌહાર્દ અને ચૂંટણી પ્રક્રિયાને અડચણ પહોંચાડવા બદલ આ તત્વો સામે કાર્યવાહી કરવા ભાજપે રાજકોટ અને પોરબંદર કલેકટર તથા રાજય ચૂંટણીપંચને ફરિયાદ કરતા ગુપ્તચર તંત્ર સક્રિય થયું છે અને ટુંક સમયમાં આ પોસ્ટર કાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવાના નિર્દેશ છે.આવી પ્રવૃતિથી ધ પીપલ એકટ ૧૯૫૧ની કલમ ૧૨૭-એ તથા આઈપીસી ૧૭૧ (એચ) હેઠળ કાર્યવાહી કરવા અને ૧૨૦ હેઠળ કાવતરાની કલમ ઉમેરવા પણ માંગ થતા ધોરાજીમાં ગરમાવો આવી ગયો છે.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, આદર્શ આચારસંહિતાના અમલની સાથે જ ગાઈડલાઈન લાગુ પડેલ છે, પરંતુ તા.૨૫/૩ની રાત્રે ધોરાજી શહેરમાં વિવિધ જગ્યાએ વિવાદસ્પદ બેનર્સ લગાવીને ૧૧-પોરબંદર લોક્સભા બેઠક પરના ભાજપના ઘોષિત ઉમેદવારને ચુંટણીમાં નુક્સાન કરવા તથા હરીફ ઉમેદવારને ફાયદો થાય તેવો પ્રયાસ કોઈએ કરેલ છે. સાથે જ ગેરકાયદેસર રીતે લગાવેલ બેનર્સથી આ વિસ્તારની સામાજિક સૌહાર્દ ખોરવાય તથા તેમાં વાપરેલ ભાષાથી ક્ષેત્રવાદને પ્રોત્સાહન મળે તેવો પણ પ્રયાસ કરવામાં આવેલ છે. પ્રકાશક કે મુદ્રકનું નામ પણ નથી.

આ ઉપરાંત એક ઉમેદવારને નુક્સાન કરતા અને અન્ય ઉમેદવારને ફાયદો કરાવવા લગાવેલા બેનર્સ ઉપરોક્ત જોગવાઈનો પણ ભંગ કરે છે. ધોરાજી શહેરમાં લગાવેલ વિવાદાસ્પદ બેનર્સ એ કોઈ સામાન્ય ઘટના નહીં, પરંતુ આદર્શ આચારસંહિતાની જોગવાઈઓનો ભંગ કરી ચૂંટણીમાં કોઈ ચોકક્સ ઉમેદવારને ફાયદો થાય અને કોઈ ઉમેદવારને નુક્સાન જાય તેવા સ્પષ્ટ ગણિત સાથે કરેલ આયોજનબધ કાવતરું છે, અને પારદર્શી રીતે, તટસ્ત અને લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયામાં અડચણરૂપ છે.

આ વિવાદીત પોસ્ટર જાહેર મિલક્તો પર લગાવેલ છે, તથા રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એકટ, ૧૯૫૧ની કલમ ૧૨૭ (એ)ની જોગવાઈઓ તથા આઈપીસીની કલમ ૧૭૧ (એચ)નો પણ ભંગ થયેલ છે. તથા આ કૃત્ય આઈપીસી કલમ ૧૨૦ (એ) હેઠળનું હોઈ આ કેસમાં ત્વરિત કાયદાકીય પગલા લેવા જરૂરી છે તેમ ચૂંટણી પંચને જણાવાયું છે.