- આઇપીએલ ૨૦૨૪ દરમિયાન એમએસ ધોની ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો
ચેન્નાઇ, ચેન્નાઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ (આઇપીએલ ૨૦૨૪) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ત્રીજી વખત છે જ્યારે CSK IPL ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ હાર બાદ ૪૨ વર્ષીય એમએસ ધોનીના નિવૃત્તિને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આઇપીએલમાં એમએસ ધોની ની આ છેલ્લી સિઝન હતી. પરંતુ આ બધાની વચ્ચે સીએસકે ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
આઇપીએલ ૨૦૨૪ દરમિયાન એમએસ ધોની ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં તેણે તમામ મેચ રમી હતી. ધોની આ સિઝનમાં સ્નાયુ ફાટી જવાથી પરેશાન હતો. આવી સ્થિતિમાં, તાજેતરની ઘટનાઓની જાણકારી ધરાવતા એક સૂત્રએ મહત્વપૂર્ણ માહિતી આપી છે કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. આ સૂત્રએ જણાવ્યું કે ધોની તેની સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જઈ શકે છે, જ્યાં તેણે સર્જરી કરાવી હતી. ધોની લંડનમાં સારવાર કરાવ્યા બાદ જ નિવૃત્તિ અંગે નિર્ણય લેશે.
સીએસકેના સૂત્રએ જણાવ્યું છે કે ધોની સ્વસ્થ થયા બાદ તેની ભાવિ રણનીતિ અંગે નિર્ણય લેશે. તે સંપૂર્ણ રીતે ફિટ નથી પરંતુ રમવાનું ચાલુ રાખવા માંગે છે. તેને સાજા થતા પાંચથી છ મહિનાનો સમય લાગશે. જણાવી દઈએ કે,બીસીસીઆઇ ટૂંક સમયમાં જ રિટેન્શન માટે પોલિસી જારી કરી શકે છે. આવી સ્થિતિમાં ધોની અને ફ્રેન્ચાઇઝીએ રિટેન્શન લિસ્ટની જાહેરાત કરતા પહેલા નિર્ણય લેવો પડશે. જોકે, આ પોલિસી બહાર આવવામાં હજુ થોડો સમય બાકી છે. એવું માનવામાં આવે છે કે ધોની પાસે નવેમ્બર સુધીનો સમય હોઈ શકે છે.
સીએસકે તેની છેલ્લી લીગ તબક્કાની મેચ આરસીબી સામે રમી હતી. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની હતી. જેમાં સીએસકેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આરસીબીની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૮ રન બનાવ્યા હતા. આ પછી, પ્લેઓફમાં પોતાનું સ્થાન સીલ કરવા માટે, તેઓએ ૨૦૧ રનના સ્કોર પહેલા સીએસકેને રોકવું પડ્યું, જેમાં તેઓ સફળ રહ્યા. આ મેચમાં ૨૧૯ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૯૧ રન જ બનાવી શકી હતી, જેની સાથે જ તેને મેચમાં ૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.