ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ હંમેશા સમાચારમાં રહે છે. મહેન્દ્ર સિંહ ધોની લોકો માટે ફક્ત એક નામ નથી પણ લાગણી છે અને કેમ ન હોય..? ધોનીની જ કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 3 ICC ટ્રોફી જીતી હતી. સાથે જ મેદાન પર માહીની ઝડપ અને સમજદારીના તો લોકો ફેન છે. જો કે ધોનીને કારણે ટીમ ઈન્ડિયામાં બીજા ઘણા ખેલાડીઓને મોકો મળ્યો નહતો અને આ વિશે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપરે મોટો ખુલાસો કર્યો છે.
એ વાત તો જાણીતી જ છે કે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર સ્ટમ્પની પાછળથી કમાલ બતાવતો હતો અને એ કારણે તેને વિકેટકીપર તરીકે ટીમમાં જગ્યા બનાવી લીધી હતી. આ કારણે એ સમયના બીજા ઘણા વિકેટકીપરને ટીમમાં રમવાનો મોકો મળ્યો નહતો. આ ખેલાડી છે પાર્થિવ પટેલ, જેને ધોનીને કારણે ફરી ટીમ ઈન્ડિયામાં રમવાનો મોકો મળ્યો નહતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપરે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેણે ધોની કરતાં પહેલા ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું અને ધોનીને ટીમમાં કેવી રીતે પ્રવેશ મળ્યો હતો. પાર્થિવ પટેલે કહ્યું કે, ‘ ટીમ ઈન્ડિયામાં મેં ધોનીના આગમન પહેલા ટેસ્ટ કે વનડે ડેબ્યુ કર્યું હતું પરંતુ મારું પ્રદર્શન સારું ન રહ્યું તો મારા બદલે ટીમમાં એમએસ ધોનીને મોકો આપવામાં આવ્યો હતો. મેં હંમેશા આ કહ્યું છે કે તમને માત્ર એક જ તક મળે છે કારણ કે આસપાસ ઘણા બધા ખેલાડીઓ છે..’
આ સાથે જ પાર્થિવ પટેલે કહ્યું કે તે સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમ્યો છે, પરંતુ તેના પ્રથમ કેપ્ટન સૌરવ ગાંગુલી માટે તેના દિલમાં હંમેશા સોફ્ટ કોર્નર રહેશે. સાથે જ પાર્થિવે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીને શ્રેષ્ઠ કેપ્ટન તરીકે પસંદ કર્યા.
2002માં પાર્થિવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં માત્ર 17 વર્ષની વયે પોતાનો પોતાનો ડેબ્યૂ કર્યુ હતુ. જો કે ધોનીના ટીમમાં આવવાથી પાર્થિવને ટીમમાંથી ખસેડી દેવામાં આવ્યો અને પાર્થિવ પટેલ ભારત માટે ફક્ત 25 ટેસ્ટ, 38 વન-ડે અને 2 TI20જ રમી શક્યો. પાર્થિવે પોતાના વન-ડે કરિયરમાં 23.74ની એવરેજથી 736 રન બનાવ્યા છે.