ઈન્ડિયન પ્રિમીયર લીગની 13મી સીઝનના 29મા મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જીત હાંસલ કરી હતી. આ મેચ દરમિયાન એક અજીત ઘટના જોવા મળી હતી. અમ્પાયરે પોતાનો હાથ વાઈડ બોલ આપવા માટે ફેલાવી જ નાખ્યો હતો કે ધોની સામે જોઈને તેણે આ નિર્ણય બદલી નાખ્યો હતો ! આ પાછળનું કારણ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ગુસ્સાને ગણવામાં આવી રહ્યું છે.
હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં ચેન્નાઈની ટીમે 20 રનથી જીત હાંસલ કરી હતી. 7માંથી પાંચ મેચમાં હાર જોનારી ચેન્નાઈની ટીમ માટે આ જીત રાહતભરી રહી હતી. ધોનીની ટીમે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં શેન વોટસનના 42 અને અંબાતી રાયડુના 41 રનની મદદથી 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. લક્ષ્યકનો પીછો કરતાં હૈદરાબાદની ટીમ 20 ઓવર પૂર્ણ થયા બાદ 8 વિકેટે 147 રન જ બનાવી શકી હતી. મેચમાં ચેન્નાઈની ટીમે જીત હાંસલ કરી અને આઈપીએલના બીજા તબક્કાની શરૂઆત હૈદરાબાદ વિરુદ્ધ પહેલાં તબક્કામાં મળેલી હારનો બદલો ચૂકવવા સાથે કરી હતી.
19મી ઓવરમાં અમ્પાયર પોલ રેફલે બોલ ફેંકાયા બાદ હાથ ફેલાવતાં તેને વાઈડ બોલ આપવાનું મન બનાવ્યું હતું પરંતુ આવું કરી શક્યા નહોતા. તેઓ હાથ ફેલાવતાં ફેલાવતાં અડધેથી જ અટકી ગયા હતા. વિકેટ પાછળ ઉભેલા ચેન્નાઈના કેપ્ટન ધોનીના ગુસ્સાને નિર્ણય બદલવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે.
જ્યારે શાર્દૂલ ઠાકુરના બોલ પર અમ્પાયર રફેલ વાઈડ આપવા માટે હાથ ફેલાવવાના હતા ત્યારે ધોનીએ ગુસ્સાથી રાડ પાડતાં કંઈક કહ્યું જેના કારણે અમ્પાયરે નિર્ણય બદલી નાખ્યો હતો. આ જોઈને ડગ આઉટમાં બેઠેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થતાં ક્રિકેટરસિકો ધોનીની ટીકા કરી રહ્યા છે.