મુંબઇ, આ દિવસોમાં આઇપીએલ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માથી લઈને ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સુધી દરેક જણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે.આઇપીએલ બાદ ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ રમવાનો છે. જેને લઈને ટીમ ઈન્ડિયાની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.જે પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એમએસ ધોની અને દિનેશ કાર્તિક વિશે મોટી વાત કહી છે.
ક્લબ ફાયર પોડકાસ્ટમાં એડમ ગિલક્રિસ્ટ અને માઈકલ વોન સાથે વાત કરતી વખતે, રોહિત શર્માએ કહ્યું કે આ સિઝનમાં એમએસ ધોની અને દિનેશ કાર્તિક જે રીતે બેટિંગ કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. જેમ ધોનીએ છેલ્લામાં માત્ર ૪ બોલ રમ્યા અને ૨૦ રન બનાવ્યા, તેને જોરદાર પ્રભાવ પાડ્યો. જોકે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવો મુશ્કેલ હશે, કારણ કે તે ઈજાગ્રસ્ત છે. જો કે તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ તે ગોલ્ફ રમવા આવશે. આ સિવાય મને લાગે છે કે દિનેશ કાર્તિક ને વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવામાં સરળતા રહેશે.
આરસીબીનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક આઇપીએલ ૨૦૨૪માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે દિનેશે જે રીતે શાનદાર બેટિંગ કરી હતી, તેને લઈને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી છે.
દિનેશ કાર્તિકના પ્રદર્શનથી પ્રભાવિત થઈને રોહિતે કહ્યું કે દિનેશ કાર્તિક ટી ૨૦ વર્લ્ડ કપ માટે ઘણો સારો વિકલ્પ બની શકે છે. રોહિત શર્માના આ નિવેદન પરથી લાગે છે કે બીસીસીઆઇના પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર ચર્ચા કરી શકે છે. કારણ કે દિનેશનું તાજેતરનું ફોર્મ એકદમ શાનદાર છે અને તેની પાસે ઘણો અનુભવ પણ છે.