દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ દ્વારા ગામે ગામ, શેરીએ શેરીએ ફરી મતદારોને મનાવવાની કોશીષમાં લાગી ગયા છે. ત્યારે વાત કરીએ દાહોદ વિધાનસભા અને લીમખેડા વિધાનસભાની તો આ વખતે દાહોદ અને લીમખેડાની વિધાનસભામાં એક તરફી માહૌલ જોવા મળ્યો નથી. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચુંટણી મેદાનમાં ઝંપલાવતાં ક્યાંકને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.
દાહોદ અને લીમખેડા વિધાનસભાની વાત કરીએ તો દાહોદમાં હાલ ભાજપના ઉમેદવાર દ્વારા ગામે ગામ તેમજ શેરીએ, મહોલ્લા વિગેરે જેવા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યાં છે, પરંતુ સળંગ દાહોદ વિધાનસભામાં પુન: હારેલા ઉમેદવારને ટીકીટ ફાળવતાં આ વખતે ભાજપ માટે કરો યા મરોની જંગ સમાન આ ચુંટણી બની રહેશે એટલાજ માટે દાહોદમાં ભાજપ દ્વારા આ વખતે મતદારોને રિઝવવા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. પરંતુ આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ ચુંટણી મેદાનમાં ઝંપલાવતાં ભાજપ માટે કપરા ચઢાણ સાબીત થઈ શકે છે. દાહોદ વિધાન સભામાં અપક્ષ ઉમેદવાર પણ પોતાની પાર્ટીનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. અપક્ષના ઉમેદવારનો પણ દાહોદમાં લાંબા સમયથી દબદબો રહ્યો છે. ક્યાંકને ક્યાંક અપક્ષના ઉમેદવાર પણ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દાહોદ વિધાનસભામાં અપક્ષના જે ઉમેદવાર છે, તે કોંગ્રેસમાં સક્રિય હતા. ત્યારે ક્યાંકને ક્યાંક અંદરો અંદરના નારાજગી કહો કે મતભેદ કહો જેના કારણે આ વખતે અપક્ષના ઉમેદવારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાંવી છે અને અપક્ષના ઉમેદવારને પણ દાહોદ વિધાનસભામાં સારો એવો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે. અપક્ષ પાર્ટી દ્વારા પણ દાહોદ વિધાનસભાની બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, અપક્ષના ઉમેદવારને પણ દાહોદ શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાંથી જાહેર જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના કારણે ખાસ કરીને ભાજપને આ અપક્ષના ઉમેદવારથી ફટકો પડશે અને મત વહેંચાશે તેના કારણે ભાજપ માટે દાહોદ વિધાનસભાની બેઠક કબજે કરવા લોખંડના ચણા ચાવવા સમાન સાબીત થનાર છે. બીજી તરફ વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ ક્યાંકને ક્યાંક અત્યાર સુધી પ્રચાર પ્રસાર માટે જાહેર જનતાની વચ્ચે આવી નથી, પરંતુ અંદર ખાને તેઓનો પ્રચાર પણ જોરશોરમાં ચાલી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રચાર પ્રસાર જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વખત મતદારોનો મીજાજ પણ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આમ આદમી પાર્ટીએ મેદાનમાં હોવાને કારણે ભાજપ માટે ચોક્કસ પણ કપરા ચઢાણ સાબીત થઈ શકે છે.
બીજી તરફ વાત કરીએ લીમખેડા વિધાનસભાની તો આ વખતે પુન: લીમખેડામાં સાંસદના ભાઈને ટીકીટ ફાળવવામાં આવી છે. લીમખેડામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજબુત સાબીત થનાર છે. મતદારોને પોતાની તરફ ખેંચવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પ્રયત્નો કરી રહી છે. ભલે લીમખેડા ભાજપનો ગઢ રહ્યો હોય પરંતુ આ વખતે લીમખેડાની જાહેર જનતામાં પરિવર્તનની માંગ ઉઠવા પામી છે. મતદારો પણ પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે પણ આ વખતે લીમખેડા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસને ક્યાંકને ક્યાંક ફટકો પડી શકે છે. ત્યારે મતદારોને રીઝવવા ભાજપ દ્વારા પણ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ વખતે દાહોદની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઝંપલાવતાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેને મોટો ફટકો પડી શકે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.