- પાવાગઢ રોડ સ્થિત 40 વર્ષ ઉપરાંતથી આવેલા દબાણરૂપ દુકાનો સ્વયંભૂ હટાવી લેવા સૂચના અપાઈ.
- અન્યથા સોમવારથી તંત્ર સ્વયં દબાણ હટાવ અભિયાન હાથ ધરશે તેવી ચિમકી ઉચ્ચારાઈ.
- પાવાગઢની સૂરત બદલાઈને વિકાસમાં નવું એક છોગું ઉમેરવાનું તંત્રનું વધુ એક આવકારદાયક પગલું.
ગોધરા, ધીરેધીરે યાત્રાધામ પાવાગઢનો કાયાકલ્પ હાથ ધરાઈ રહ્યો છે. જેમાંં મંદિરની સુવિધા સજજ સાથે વધુ 250 કરોડની ગ્રાન્ટ ફાળવ્યા બાદ દર શનિ-રવિવારે ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવીને ટ્રાફિક સમસ્યા હલ કરવાની વધુ એક પ્રયાસના ભાગરૂપ તંત્ર દ્વારા પાવાગઢ રોડ સ્થિત 40 વર્ષ ઉપરાંતથી આવેલા દબાણરૂપ દુકાનો સ્વયંભૂ હટાવી લેવા સૂચના અપાઈ છે. અન્યથા સોમવારથી તંત્ર સ્વયં દબાણ હટાવ અભિયાન હાથ ધરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. દબાણ હટાવવાની કવાયતના કારણે આગામી સમયમાં માર્ગો પરના દબાણો દુર થઈને ટ્રાફિક સમસ્યા હળવી થવાની સંભાવનાઓ વચ્ચે પાવાગઢની સૂરત બદલાઈને વિકાસમાં નવું એક છોગું ઉમેરવાના તંત્રનું વધુ એક આવકારદાયક પગલાંના સમાચારથી યાત્રાળુઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
ધીરેધીરે વહિવટી તંંત્ર અને સરકાર દ્વારા પંંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો વિકાસલક્ષી ધ્યાન કેન્દ્રીત કરીને અનેક પ્રોજેકટ અને સુવિધાઓ ઉભી કરવાનો આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. પાવાગઢ ખાતે રોજીંદા મોટી સંંખ્યામાં દર્શનાર્થે ભકતો આવે છે. ત્યારે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાવાગઢ મંદિરે 500 વર્ષ બાદ ઐતિહાસીક ધ્વજારોહણ કરવામાં આવવાની સાથે મંદિર પરિસરમાં સુવિધા સજજ કાયાકલ્પ કરવામાં આવી છે. પરિણામે ગત વર્ષોની સરખામણીમાંં ધીરેધીરે ભકતોની સંંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે આગામી સમયમાં પણ માંચી અને પાવાગઢ ખાતે આશરે 250 કરોડના ગ્રાન્ટ ફાળવવામાં આવીને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સહિત પડોશી જીલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહનો મારફતે આવતા હોવાના કારણે દિનપ્રતિદિન ટ્રાફિક જામ રહેવાની સાથે માંચી જેવા સાંકળા વિસ્તારમાં પાર્કિંગ કરવું મુશ્કેલરૂપ બનતું હતું અને આડેધડ વાહન પાર્કિંગ ચાર્જ આધેડક વસુલવામાં આવતો હતો અને આવી હાડમારીજનક પરિસ્થિતીમાં દર શનિ-રવિવારે ખાનગી વાહનોની ભરમાર થતાં તંત્ર માટે પણ સંચાલન કરવુંં વિકટ બનતું જતું હતું. જેના ભાગરૂપ કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ખાનગી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકીને સરકારી એસ.ટી.બસોનું વધુ ટ્રીપ દોડાવાતા ગત પ્રથમ અઠવાડિયે જ તંત્રને અધધ કહી શકાય તેવી 10 લાખ જેટલી આવક માત્ર એસ.ટી.તંત્રને થઈ હતી. આ પ્રમાણે ધીરેધીરે નવા નવા આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલોલ, જાંબુધોડા હાઈવે માર્ગ સ્થિત પાવાગઢના કારણે રાત-દિવસ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. સતત અવરજવરના કારણે ખાસ કરીને પાવાગઢમાં મોટા વાહન અને લકઝરી બસોને પાર્ક કરવી એક માથાના દુ:ખાવારૂપ છે. ખાસ કરીને પાવાગઢ માર્ગની બન્ને તરફ પાર્કિંગના પ્રશ્ર્ને જાહેર માર્ગો પર જ આડેધડ પાર્કિંગ કરવામાં આવતાં કલાકો સુધી પાર્કિંગ જામના દ્રશ્યો સર્જાઈને સંચાલકોને અવરજવર મુશ્કેલરૂપ બન્યું હતું અને આ માર્ગો ઉપર છેલ્લા 40 ઉપરાંત વર્ષથી રોડની બન્ને બાજુ નાની-મોટી દુકાનો એ પાકું બાંધકામ કરીને છેક રોડ સુધી દબાણ આચરવામાં આવતાં રસ્તો સાંકળો બની જવાની સાથે આડેધડ ખાનગી વાહનો પાર્કિંગ થવાના લીધે ટ્રાફિક સમસ્યાની હલ કરવું ખુબજ કઠિન બનેલ હતું. ત્યારે વહિવટી તંત્ર દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના હલ માટે રોડ પરના દબાણો દુર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. આજે પાવાગઢ ખાતે દબાણ હટાવવાની કવાયતના ભાગરૂપ મામલતદાર, માર્ગ અને મકાન, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી અને ટ્રાફિક નિવારણ માટેની ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય અનુસાર એક પછી એક આવેલી દુકાનો ઉપર જઈને સોમવાર સુધીમાં હંગામી દબાણ એટલે કે શેડ, બાંધકામ સ્વયંભૂ હટાવી લેવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહિ વહિવટી તંત્રએ વેપારીઓને ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો સોમવાર સુધી સ્વયંભૂ હટાવી નહીં લેવામાં આવે તો તંત્ર દ્વારા અભિયાન હાથ ધરીને દબાણો દુર કરશે. આમ, એક પછી એક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપ દબાણ હટાવીને માર્ગની બન્ને બાજુ જગ્યા ખુલ્લી કરવાની સુવિધા પ્રાપ્ત થશે જેના કારણે હાઈવે પર થતી ટ્રાફિકની સમસ્યા હલ થવાની સાથે નાના-મોટા વાહનો આસાનીથી અવરજવર થઈ શકશે. વહિવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિવારણ માટેના આ પગલાને આવકારીને માર્ગની રોનક બદલાઈ જશે તેવી યાત્રાળુઓ ગણતરી માંડી રહ્યા છે. જોકે, પહેલા ખાનગી જીપ સંચાલકોના પ્રતિબંધના કારણે રોજી રોટી છીણવાઈ ગઈ છે. ત્યારે હવે દુકાનો ધરાવતા વેપારીઓના વેપાર- ધંધા પડી ભાગવાની સંભાવનાઓથી ચિંતા વ્યકત કરી રહ્યા છે.
ડુંગર ટ્રાફિક વિહોણો બનેલ જોવા મળતાં યાત્રાળુઓને શાંતિનો અહેસાસ..
ગત અઠવાડિયે પાવાગઢ ખાતે વહિવટી તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાના હલ કરવા માટે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેના ભાગરૂપ શનિવાર અને રવિવારના રોજ પાવાગઢ થી 3 કિલો મીટર દુર એટલે ટીમ્બી થી પ્રાઈવેટ વાહનોને ડાયવર્ઝન આપીને છેક વડા તળાવ થી પાવાગઢમાં પ્રવેશ આપવામાં આવે છે. આ ડાયવર્ઝનના કારણે પાવાગઢ જતાં દરેક વાહનોને વધારાના 8 થી 10 કિલો મીટર ફેરો ખાવાનો વારો આવ્યો છે. પાવાગઢ તળેટી થી માંચી હવેલી સુધી માત્ર સરકારી એસ.ટી.બસ સંચાલન થયેલી જોવા મળે છે. અને શનિ-રવિ ડુંગર ટ્રાફિક વિહોણો બનેલ જોવા મળતાં યાત્રાળુઓને શાંતિનો અહેસાસ થતો જોવા મળે છે.