ધવલસિંહ હવે ગુંદર લગાઇ દેજો, અમારા કાર્યર્ક્તાને હેરાન ન કરતા’,બાયડના ધારાસાભ્યને પાટીલની ટકોર

હિંમતનગર, ’રાજનીતિમાં કોઈ મિત્ર કે દુશ્મન હોતું નથી’ એ કહેવત અરવલ્લી જિલ્લામાં સાર્થક થતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપના એક કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને પહોંચ્યા હતા. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં પહોંચતા પાર્ટીના કાર્યકરો પણ અચરજમાં મુકાયા હતા.

આ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સલાહ આપી હતી. સી.આર પાટીલે મંચ પરથી કહ્યું હતું કે, ’બાયડના ધારાસભ્ય પહેલા કોંગ્રેસ પછી ભાજપ અને ત્યારબાદ અપક્ષ અને પછી પાછું……પણ ધવલસિંહ આ બાયડના લોકો અને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે, તમે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતાં નહીં અને અમારા કાર્યર્ક્તાઓને હેરાન ન કરતા. અમારા દરેક કાર્યર્ક્તાઓમાં થોડી-થોડી નારાજગી છે, બધાની માફી માંગી લેજો.’ સી.આર પાટીલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ધવલસિંહ ફરી ભાજપમાં સત્તાવાર રીતે આવી ગયા છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લીની બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલાની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી.

ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.