‘ધરતીપુત્ર ધારાસભ્ય’ તરીકે ઓળખાતા ફતેસિંહની ડણક ફરી ગુંજશે, વિકાસના હોસિયામાં ધકેલાઈ ગયેલા ઘોઘંબા તાલુકામાં ફરી વિકાસની રોનક વિસ્તરશે.

panch

કાલોલ,

કાલોલ 127 વિધાનસભા બેઠક પર કાગડોળે રાહ જોવાઇ રહેલી ભાજપની ટિકિટ છેવટે ઘોઘંબા (રાજગઢ) મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું નામ જાહેર થતાં ટિકિટ મેળવવા ઇચ્છુક કાલોલ ભાજપના નેતાઓને ઠીંગો બતાવી દેતા કાલોલ ભાજપના સંગઠનમાં સન્નાટો છવાઈ ગયો છે. કાલોલ વિધાનસભા બેઠક માટે એક સમયે 54 દાવેદારોએ પોતાના સેન્સ આપીને દાવેદારી નોંધાવતા ભાજપની ટિકિટ માટે ભારે રસાકસીભરી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ગુરૂવારે સવારે ભાજપે જાહેર કરેલી યાદી અનુસાર કાલોલ ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણની પસંદગી જાહેર થઇ હતી. ખાસ કરીને કાલોલ વિધાનસભાની બેઠક પર પ્રભુત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય પરિવાર ગણાતા મહેલોલની મુવાડીના પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ સુમનબેન ચૌહાણની રિપિટ દાવેદારીની ટિકિટ કપાઈ જતાં સુમનબેન ચૌહાણના સમર્થકોમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપની ટિકિટ મેળવનાર ફતેસિંહ ચૌહાણ 2002 અને 2007માં રાજગઢ (ઘોઘંબા) મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2012 વિધાનસભાની ચૂંટણીમાં મતવિસ્તારના પરિવર્તન સાથે રાજગઢ (ઘોઘંબા) મતવિસ્તારનો કાલોલ બેઠકમાં સમાવિષ્ટ થતાં એ સમયે પરિવર્તન થયેલા સંજોગોમાં ફતેસિંહ ચૌહાણે પણ તત્કાલીન સમયે ભાજપ છોડીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જોડાઈને કાલોલ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડી હતી. એ સમયે કાલોલ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રાઠોડ સામે ભારે પછડાટ ખાધી હતી. જોકે 2012 વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત પરિવર્તન પાર્ટી છેવટે ભાજપમાં મર્જ થઈ જતાં તત્કાલીન સમયે ફતેસિંહ ચૌહાણે પણ ભાજપમાં પૂન:વાપસી કરી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઘોઘંબા તાલુકાની વાવ કુલ્લી બેઠક પરથી ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, ફતેસિંહ ચૌહાણે 2017 વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ માંગી હતી પરંતુ એ સમયે પક્ષપલટાની છબી નડતા ભાજપની ટિકિટ મળી ન હતી. છેવટે પક્ષ પરિવર્તન પછી પાછલા નવ વર્ષ સુધી ઘોઘંબા મતવિસ્તારમાં પાર્ટી માટે મહેનત અને ધીરજ ધરતા અંતે તાજેતરમાં ફરી એકવાર ભાજપની ટિકિટ મેળવતા ઘોઘંબા તાલુકા વિસ્તારના ફતેસિંહ ચૌહાણના સમર્થકોમાં ભગવો ઉત્સાહ છવાયો હતો.

બોક્સ:

ઘોઘંબા (રાજગઢ) મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કાલોલ વિધાનસભાની ભાજપની ટિકિટ મેળવનાર ફતેસિંહ ચૌહાણનું મૂળ ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના વતની છે. વ્યવસાયે રાજકારણ અગાઉ ગુંદી હાઇસ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. ઘોઘંબા (રાજગઢ) મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય દરમ્યાન હિન્દુત્વના ફાયર બ્રાન્ડ નેતા અને મોદી ભગત તરીકે પણ ઓળખાય છે. તદ્ઉપરાંત ધારાસભ્ય હોવાં છતાં તેઓ ઘરની ખેતી જાતે કરતા હોવાથી ધરતીપુત્ર ધારાસભ્ય તરીકે પણ ઓળખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સવારે ભાજપના ઉમેદવાર તરીકે તેમના નામની ઘોષણા થઈ હતી. એ સમયે પણ ફતેસિંહ ચૌહાણ પોતાના ખેતરમાં કપાસ વિણતા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

બોક્સ:

રાજગઢ ઘોઘંબા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને દશ વર્ષ પછી ફરી એકવાર ધારાસભ્યની ટિકિટ મળતાં રાજગઢ ઘોઘંબાના પ્રજાજનોને પોતાનો સિંહ મેદાનમાં પરત ફર્યો હોય એવો ભગવો આનંદ અને ઉલ્લાસ વર્તાઈ રહ્યો છે. પાછલા દશ વર્ષથી રાજગઢ ઘોઘંબા તાલુકો હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. ઘોઘંબા તાલુકાનો અવાજ અને વિકાસ રૂંધાય ગયો હોય એવો કડવો અનુભવ ઘોઘંબા તાલુકાના પ્રજાજનોને થયો છે. ત્યારે ઘોઘંબા તાલુકાના પ્રજાજનોએ બમણી લીડથી પોતાના સિંહને જીતાડવાનો નિર્ધાર સર્વત્ર વર્તાઈ રહ્યો છે.

બોક્સ:

ફતેસિંહ ચૌહાણને ભાજપની ટિકિટ મળતા ગુરૂવારે સાંજે પાર્ટી પ્લોટ ખાતે કાલોલ તાલુકાના ભાજપ સંગઠન સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક પક્ષની પસંદગીને સમર્થન આપીને આવકાર આપ્યો હતો અને ફતેસિંહ ‘તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના જ્વલંત વિજયના વિશ્ર્વાસ સાથે ડબલ લીડથી જીતવાનું સમર્થન આપ્યું હતું.