ધાર્મિક સ્વતંત્રતામાં અન્યને કન્વર્ટ કરવાનો અધિકાર સામેલ નથી : અલ્હાબાદ હાઈકોર્ટે

ધર્માંતરણના આરોપીની જામીન અરજી ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે કે ધર્મની સ્વતંત્રતાના અધિકારમાં અન્ય લોકોનું ધર્માંતરણ કરવાનો અધિકાર શામેલ નથી. ભારતનું બંધારણ દેશના નાગરિકોને તેમના ધર્મમાં શ્રદ્ધા રાખવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો હક આપે છે, પરંતુ ધર્મ પરિવર્તનની મંજૂરી આપતું નથી.

શ્રીનિવાસ રાવ નાયકના આરોપીની જામીન અરજી ફગાવી દેતા જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આ મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યા હતાં. હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણ દરેક વ્યક્તિને તેના ધર્મમાં વિશ્ર્વાસ રાખવાનો, પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર આપે છે. જોકે અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાના વ્યક્તિગત અધિકારને ધર્માંતરણના સામુહિક હક સુધી વિસ્તૃત કરી શકાય નહીં. ધર્મ પરિવર્તન કરતાં હોય તેવા વ્યક્તિ અને ધર્મપરિવર્તન કરાવતા વ્યક્તિ એમ બંનેને ધામક સ્વતંત્રતાનો સમાન રીતે હક મળે છે. આંધ્રપ્રદેશના વતની શ્રીનિવાસ રાવ નાયક પર કેટલાક હિંદુઓને ખ્રિસ્તી બનાવવા બદલ યુપી પ્રોહિબિશન ઓફ અનલોફુલ કન્વર્ઝન ઓફ રિલિજિયન એક્ટ, ૨૦૨૧ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.