ધાર્મિક શોભાયાત્રામાં ભાગ લેવા આવેલી ૧૭ વર્ષની છોકરીનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર

ચેન્નાઈ તમિલનાડુમાં એક સગીર બાળકી સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. રાજયના વેલાક્કવિલમાં ધાર્મિક શોભાયાત્રામાં ભાગ લેવા આવેલી એક ૧૭ વર્ષની છોકરીનું સાત લોકોએ કથિત રીતે અપહરણ કરીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને તાત્કાલિક એક ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ પીડિતા ૯ માર્ચના રોજ વીર કુમારસ્વામી મંદિરના રથ ઉત્સવમાં ભાગ લેવા માટે ગામમાં ગઈ હતી. ત્યારબાદ આરોપીઓએ તેનું અપહરણ કરી તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. યુવતીના પરિવારજનોની ફરિયાદ બાદ તમિલનાડુ પોલીસની બે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે કામરાજાપુરકમમાંથી ૩૨ વર્ષીય આરોપી અને અન્ય ૨૯ વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપીઓના પગેરા આધારે પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીર કુમારસ્વામી મુરૂગન મંદિર કોંગુ મંડલમ (કંગયાનાડુ) ના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ સ્થળને ’વેલ્લાઇકોવિલ’ ઉર્ફે વેલ્લાકોવિલ (અથવા) વેલ્લાકોઇલ કહેવામાં આવે છે. આ મંદિર તિરુપુર જિલ્લાના કરૂર-કોવઈના મુખ્ય માર્ગ પર વેલ્લાકોવિલ ટાઉનમાં આવેલું છે. આ મંદિર લગભગ ૬૦૦ વર્ષ જૂનું છે. અહીં રથ ઉત્સવ માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.