
વૉશિંગ્ટન, અમેરિકામાં લોકોનો ધર્મ પરથી વિશ્વાસ ડગી રહ્યો છે. ઈશ્ર્વર કે સ્વર્ગના દૂત પર વિશ્વાસ ધરાવતા તથા ધર્મને જીવનનો મહત્ત્વનો ભાગ ગણનારા અમેરિકનોની ટકાવારી સતત ઘટતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, ચર્ચ અને પૂજાસ્થળે જનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવાઈ રહ્યો છે. ગેલપ, પ્યૂ રિસર્ચ અને પીઆરઆરઆઇના વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી છે. આ વિશ્લેષણના અહેવાલ પ્રમાણે જીવનમાંથી ધર્મનો પ્રભાવ ઘટ્યો હોવાનું ૭૪% અમેરિકનો માને છે. એક દાયકા પહેલાં આ આંકડો ૫૫% આસપાસ હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આથક સમૃદ્ધિને પગલે અમેરિકનોની ધામક જરૂરિયાતો ઓછી થવા લાગી છે. ધાર્મિક સ્રોતોમાંથી મળી રહેલાં શિક્ષણ, સલાહ, લગ્નના વિકલ્પો, મનોરંજન અને જરૂરિયાતમંદોને આર્થિક મદદ જેવી સગવડો સરકાર અને બજાર મળીને પૂરી કરે છે.
આ સ્થિતિમાં ધાર્મિક સંસાધનો પર નિર્ભરતા ઘટી ગઈ છે. તેને પગલે ચર્ચમાં જવાની પરંપરા પણ વૈકલ્પિક થવા લાગી છે. શહેરીજનો ચર્ચમાં હાજરી આપવાને હવે કામ તરીકે જોઈ રહ્યા છે. એ ઉપરાંત સમૃદ્ધિ, બહુમતવાદ અને વ્યસ્તતાથી દૂર જઈને અન્ય પ્રવૃત્તિઓ પણ અમેરિકનોને ધર્મથી દૂર કરી રહી છે.
ધાર્મિક ટિપ્પણીકાર રસેલ મૂર કહે છે કે જે રીતે ખ્રિસ્તી ધર્મગુરુઓ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ્યા હતા તે જોઈને ખ્રિસ્તી યુવાનોનો એક આખો વર્ગ મૂંઝવણમાં છે. તેમને લાગે છે કે તેમનાં માતા-પિતા પણ કટ્ટરપંથી થઈ ગયાં છે. ડેટાના આધારે મૂર દાવો કરે છે કે લોકોનું ચર્ચ છોડવાનું કારણ ભગવાન પરથી વિશ્વાસ ગુમાવી દેવાનું નહીં પરંતુ ધાર્મિક નેતાઓ અને ચર્ચના નૈતિક નેતૃત્વ પરથી વિશ્વાસ ઊઠ્યો એ છે.
આ અભ્યાસના આધારે અમેરિકન સમાજશાસ્ત્રીઓએ કહ્યું હતું કે જેમજેમ ખ્રિસ્તી ધર્મ દક્ષિણપંથી રૂઢિવાદ અને રિપબ્લિકન પાર્ટી ભણી વધી અને જોડાઈ રહ્યો છે તેમતેમ લોકોની ધાર્મિક માન્યતા બદલાઈ રહી છે. જો અમેરિકનો પહેલાં પોતાની ઓળખ ખ્રિસ્તી તરીકે આપતા હતા તેઓ હવે પોતાને કોઈની સાથે નથી ગણાવતા. ધાર્મિક હોવાનો આ જ અર્થ થતો હોય તો પોતાને ગણતરીમાં ન લેવા તેવી માન્યતા લોકોમાં કેળવાઈ રહી છે.રાજકીય વિજ્ઞાની ડૅવિડ કૅમ્પબેલે પોતાના પુસ્તક ‘સેક્યુલર સર્જ’માં એક પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે. યુવાનો ધર્મથી દૂર થયા હોવાની આશંકા હતી અને યુવા અમેરિકનો ડેમોક્રેટિક પાર્ટી તરફ વળી રહ્યા હતા ત્યારે તેમણે ખ્રિસ્તી રાષ્ટ્રવાદનાં નિવેદનો આપનારા રાજકીય નેતાઓ કે રૂઢિવાદી રાજકીય વ્યક્તિઓનું સમર્થન કરનારા ઉમેદવારોનાં દૃષ્ટાંતો દર્શાવ્યાં હતાં. તેને પગલે પોતાની ધાર્મિક ઓળખ ‘કશું જ નહીં’ શ્રેણીમાં પરિવર્તિત કરી છે. સમગ્ર દેશમાં મોટા પાયે આ જોવા મળી રહ્યું છે. કૅમ્પબેલ કહે છે, ધર્મ અને રાજકારણ વચ્ચેના સંબંધો વિપરીત દિશામાં પણ કામ કરે છે તેનાથી ધર્મને કોઈ ફાયદો થતો નથી.