ધારાસભ્યો ૧૯ ડિસેમ્બરે શપથ લેશે, ૨૦ ડિસેમ્બરે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ ૧૯ ડિસેમ્બરે ધારાસભ્ય પદના શપથ લેશે. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. જે પછી ૨૦ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એક દિવસીય સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી થશે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, રમણ વોરા, ગણપત વસાવાના નામ ચર્ચામાં છે.

૧૯ અને ૨૦ ડિસેમ્બરે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રોટેમ સ્પીકર આ શપથવિધી કરાવતા હોય છે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર એટલે કે ધારાસભ્યોમાં જે સિનીયર હોય છે,તે આ શપથવિધી કરાવે છે. એટલે ૧૯ ડિસેમ્બરે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ધારાસભ્યોની શપથવિધી કરાવશે. તો સાથે જ સ્પીકરની વરણી કરવામાં આવતી હોય છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાઘ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.

વિધાનસભા અધ્યક્ષ ની જો વાત કરવામાં આવે તો તેમનું મહત્વ વિધાનસભા પુરતુ હોય છે. અથવા તો જ્યારે પણ પક્ષ પલટા થતા હોય છે, એક પક્ષમાંથી કોઇ અન્ય પક્ષમાંથી જતુ હોય એટલે કે તોડ જોડની જે રાજનીતિ થાય છે તે સમયે વિધાનસભા પદના અધ્યક્ષ નું મહત્વ હોય છે. બાકી સમયમાં વિધાનસભા અધ્યક્ષ નું મહત્વ નથી હોતુ. એટલે બાર મહિનામાં એક મહિનો વિધાનસભા અધ્યક્ષ નું મહત્વ રહેતુ હોય છે. ત્યારે આ પદ માટે સૌથી મોખર શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યુ છે.

શંકર ચૌધરીને જો વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જો શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જો તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાઘ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.