ધરાશાયી થઈ ગયો આઝમ ખાનનો કિલ્લો, રામપુર પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

લખનૌ,

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કિલો વસ્ત થઈ ગયો છે. રામપુરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસિમ રાજાને હાર મળી છે. ભારતીય જનતા પાર્ટીના આકાશ સક્સેનાએ આસિમ રાજાને ૩૩ હજારથી વધુ મતથી પરાજય આપ્યો છે. રામપુરના લોકોએ ૬ મહિનામાં બીજીવાર આઝમ ખાનને ઝટકો આપ્યો છે. આ પહેલા જૂનમાં યોજાયેલી લોક્સભાની પેટાચૂંટણીમાં પણ સપા ઉમેદવાર આસિમ રાજાને હાર મળી હતી. ત્યારે તેમને ભાજપના ધનશ્યામ લોધીએ ૪૦ હજારથી વધુ મતે પરાજય આપ્યો હતો.

નફરત ફેલાવનારૂ ભાષણને લઈને એપ્રિલ ૨૦૧૯માં નોંધાયેલા એક કેસમાં દોષી સાબિત થયા બાદ રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને ત્રણ વર્ષની કેદની સજા મળી હતી, ત્યારબાદ તેમને વિધાનસભા અધ્યક્ષે અયોગ્ય ઠેરવી દીધા હતા. વિવિધ મામલામાં બે વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ચહેરા મનાતા આઝમ ખાને આસિમ રાજા માટે મત માંગ્યા અને કહ્યું કે, તેમણે (આઝમ ખાનની) સાથે ભાજપ સરકારે અન્યાસ કર્યો છે.

રામપુરના ખુબ પ્રભાવશાળી નેતા મનાતા આઝમ લગભગ ૪૫ વર્ષ બાદ પ્રથમવાર કોઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં નહોતા. પેટાચૂંટણીમાં સપા ઉમેદવારના રૂપમાં તેમના વિશ્વાસપાત્ર આસિમ રાજા ભલે મેદાનમાં હતા પરંતુ હકીક્તમાં ચૂંટણી આઝમ ખાનની પ્રતિષ્ઠાની હતી.

આઝમ ખાન છ વર્ષ સુધી ચૂંટણી લડશે નહીં, જેથી તે જાણતા હતા કે રામપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને પરાજય આપવો જરૂરી છે. છેલ્લા આશરે ચાર દાયકા સુધી રામપુરની ચૂંટણી આઝમ ખાનની આસપાસ રહી હતી. પરંતુ હવે ભાજપે સપાનો આ મજબૂત કિલો પણ ધરાશાયી કરી દીધો છે.

રામપુરથી પૂર્વ સાંસદ અને કેન્દ્રમાં મંત્રી રહેલા મુખ્તાર અબ્બાસ નકરી આ વખતે પેટાચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં રામપુરમાં હાજર રહ્યા હતા. રામપુર વિધાનસભા ક્ષેત્રનું સમીકરણ આઝમ માટે હંમેશા ફાયદામાં રહ્યું છે. આ વિસ્તારમાં તેમની પકડનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે આ વર્ષે જૂનમાં રામપુર લોક્સભા પેટાચૂંટણી દરમિયાન પ્રથમવાર જીત હાસિલ કરનારા ભાજપને રામપુર વિધાનસભામાં સપાથી ૭૬૩૬ મત ઓછા મળ્યા હતા. આ ચૂંટણીમાં પણ સપાએ આસિમ રાજાને ઉમેદવાર બનાવ્યા હતા.