ધાનપુર તાલુકા પંચાયતમાં ટીડીઓની ઓફિસમાં એક વ્યકિતએ મને પંચાયતના કામો કેમ આપતા નથી કહી તાલુકા પંચાયત પ્રમુખનો કોલર પકડી ઝાપટો ઝીંકી દીધો હતો. તેમજ કોલર પકડી ઓફિસની બહાર ધસેડી લઈ જઈ માર મારી તેને છોડવાનો નથી તેમ કહી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખે ખજુરી ગામના હુમલાખોર સામે ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ધાનપુર તાલુકાના સજોઈ ગામના અને ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અભેસિંગ છગનભાઈ મોહનીયા ધાનપુરની ઓફિસમાં ટીટીઓ રોશન રાઠોડ, એપીઓ ભાવેશ બળવંતભાઈ રાઠોડ સાથે કામ કરતા હતા તે દરમિયાન ખજુરી ગામના સરપંચ ફળિયામાં રહેતો સંદેશ રૂપા મોહનીયા આવ્યો હતો અને કહેવા લાગેલ કે,તુ ધાનપુર તાલુકા પંચાયતનો પ્રમુખ છે તો મને પંચાયતના કામો કેમ આપતા નથી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી અભેસિંગભાઈ લોકોએ તેને ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ તાલુકા પંચાયત પ્રમુખ અભેસિંગભાઈના શર્ટનુ કોલર પકડી મોઢા ઉપર લાફા ઝીંકી દીધા હતા. તેમજ કોલર પકડી ઓફિસની બહાર ધસેડી જઈ માર માર્યો હતો. ત્યારે ટીડીઓ રોશન રાઠોડ, એપીઓ ભાવેશભાઈ બળવંભાઈ રાઠોડ તથા પટાવાળા દલપતભાઈ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે સંદેશ રૂપા મોહનીયા આજે તુ બચી ગયો છે મને કામો નહિ મળે તો તને છોડવાના નથી. તેમ કહી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખે સંદેશ રૂપા મોહનીયા સામે ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવત પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમ ઓફિસમાં આવી તાલુકા પંચાયત પ્રમુખનો કોલર પકડી લાફો ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે.