
દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગ્રામ પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે, છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરીને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પ્રયાસો આદર્યા છે. સરકારે મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત બાળકો-કિશોરીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યું છે. સરકાર પ્રજાની તમામ સમસ્યાઓના નિવારણ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. સરકારની પ્રત્યેક યોજનાઓનો લાભ લઈને અન્ય લોકોને માર્ગદર્શિત કરવા જીલ્લા વિકાસ અધિકારી એ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ વાનગી નિદર્શન સ્ટોલ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાની પદ્ધતિ જાણી હતી. ઉપરાંત, નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સરપંચ, સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી બહેનો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.