દાહોદ,
ધાનપુર તાલુકાના ભાણપુર ગામે તળાવ ફળિયામાં બે સગા ભાઈઓએ તેમના ખેતર ફરતે ઈલેક્ટ્રીક વાયર પાથરેલ હોઈ જેમાં પગ પડતાં ભાણપુર ગામના 80 વર્ષીય વૃધ્ધને કરંટ લાગવાથી તેનું મોત નિપજતાં ખેતરે ફરતે વાયર પાથરનારા બે સગાભાઈઓએ મરણ જનાર વૃધ્ધની લાશને કોઈને ખબર ન પડે તેમ વિચારી પોતાના ખેતરમાંથી લાશને ઉંચકી કોતર તરફના ભાગે આવેલ કુવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાની કોશીશ કર્યાનું જાણવા મળ્યું છે.
ભાણપુર તળાવ ફળિયામાં રહેતા સરદારભાઈ અમનસીંગ પરમાર અને તેના ભાઈ નૈનેશભાઈ અમનસીંગ પરમારે તેમના ખેતરની ફરતે ખુલ્લા વીજ વાયર લગાવી આમ કરવાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે તેમ જાણવા છતાં તેમણે પોતાના ખેતરની તારની ઈલેક્ટ્રીક વાડ કરી હતી ને ગામના 80 વર્ષીય કાળાભાઈ ગોપીચંદભાઈ પરમાર ત્યાં થઈ પોતાના ખેતરે જવા નીકળ્યા હતા તે વખતે તેમને વીજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ સરદારભાઈ અને નૈનેશભાઈને થતાં તેઓ તરત જ પોતાના ખેતરમાં પહોંચ્યા હતા અને વીજ કરંટથી મોતને ભેટેલા 80 વર્ષીય કાળાભાઈ પરમારની લાશને ઉંચકીને કોતર તરફ આવેલ કુવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાની કોશીશ કરી હતી જે પોલિસ તપાસમાં કડક પુછપરછ દરમ્યાન બહાર આવવા પામ્યું હતું.
આ સંબંધે ભાણપુર ગામના તળાવ ફળિયાના મરણ જનાર કાળાભાઈ ગોપીચંદભાઈ પરમારના પુત્ર 52 વર્ષીય પ્રહલાદભાઈ કાળાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલિસે ભાણપુર ગામના સરદારભાઈ અમનસીંગ પરમાર તથા નૈનેશભાઈ અમનસીંગ પરમાર વિરૂધ્ધ ઈપિકો કલમ 304, 201, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.