ધાનપુરના લુખડીયા હોળીમાં ઢોલ રમવાના મામલે ધીંગાણું થતાં 32 વ્યકિતને ઇજાઓ

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા ગામે હોળીના ઢોલ રમવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં બે ઈસમોએ લાકડી તેમજ લોખંડની પાઈપ વડે ત્રણ વ્યક્તિઓને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

ધાનપુરના લુખડીયા ગામે ધારવા ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ રણછોડભાઈ ધારવા, જુવાનસિંહ રણછોડભાઈ ધારવા તથા સંજયભાઈ પર્વતભાઈ ધારવા ત્રણેય વ્યક્તિઓ ગત તા.23મી માર્ચના રોજ લુખડીયા ગામે પરમાર ફળિયામાં હોળી રમવા માટે ગયા હતા. જ્યાંથી હોળી રમી પરત પોતાના ઘરે આવવા સારૂ નીકળતાં હતા, તે વખતે લુખડીયા ગામે પરમાર ફળિયામાં રહેતાં અભેસીંગ બીજલભાઈ પરમાર તથા તેની સાથેનો ભાવેશભાઈ અભેસીંગભાઈ પરમારનાઓએ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને રસ્તામાં રોકી કહેવા લાગેલ કે, તમે અત્યારથી ઢોલ લઈને કેમ ઘરે જાવો છો, હજી અમારે રમવાનું છે, તમારે ઘરે જવાનું નથી, કેમ કહેતાં ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ કહેલ કે, હવે અમો રોકાવવાના નથી અને ટાઈમ થઈ ગયો છે, અમારે ઘરે જવુ પડશે, તેમ કહેતાં ઉપરોક્ત બંન્ને ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલતાં હતાં ત્યારે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ ગાળો બોલવાની ના પાડતાં અભેસીંગબાઈ તથા ભાવેશભાઈએ લાકડી તથા લોખંડની પાઈપ લઈ દોડી આવી લક્ષ્મણભાઈ, જુવાનસિંહ અને સંજયભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ રણછોડભાઈ ધારવાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.