દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના વેડ ગામેથી પોલીસે એક ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.31,020ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી કુલ રૂા. 1,31,020ના મુદ્દામાલ સાથે ઓટો રીક્ષામાં સવાર એકની અટકાયત જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.31મી ઓક્ટોમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે વેડ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે દુરથી પોલીસને જોઈ ઓટો રીક્ષામાં સવાર રોહીતકુમાર મનહરભાઈ વરીયા (રહે. કાલીયાકુવા, ઈન્દીરા આવાસ ફળિયું, તા. ગોધરા, જી.પંચમહાલ) અને જુવાનસીંગ ઉર્ફે જવરાભાઈ ચંન્દ્રાભાઈ બારીઆ (રહે. ડભવા. પટેલ ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ) નાઓ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંન્નેનો પીછો કરતાં પોલીસે રોહીતકુમારને ઝડપી પાડ્યો હતો જ્યારે જુવાનસીંગ ઉર્ફે જવરાભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. 260 કિંમત રૂા. 31,020ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી કુલ રૂા. 1,31,020 નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.