દાહોદ,ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા, મિનામા ફળિયા વિસ્તાર ખાતે રહેતા મેડા મંગળસિંહ મનસુખભાઈની 14 વર્ષિય દિકરી રીંકુબેનનો મૃતદેહ ધાનપુર તાલુકાના ગાંગડી ફળિયાની ખડદાના જંગલ વિસ્તારમાંથી એક ઝાડ પર લટકેલી હાલતમાં અને કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ધાનપુર પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને મોકલી આપ્યો હતો. ત્યારે મૃતક સગીરાના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. અને આ મામલે સગીરાના પિતા મેડા મંગળસિંહ મનસુખભાઈ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર આંબાકાચ ગામે રહેતો જેનુલ રતનાભાઈ મોહનીયાએ મૃતક રીંકુબેનને લગ્નની લાલચે પત્નિ તરીકે રાખવા રીંકુબેનનુ અપહરણ કરી લઈ નાસી ગયો હતો. અને ચંદ્રાભાઈ, હિમરાજભાઈ અને વલીયાભાઈ મકવાણાએ સગીરાને ભગાડવામાં મદદગારી કરી હોવાના આક્ષેપો સગીરાના પિતા દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે જે તે સમયે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ધાનપુર પોલીસે યુવક વિરુદ્ધ કાર્યવાહી ન કરી તેને છોડી મુકયો હોવાનો સગીરાના પિતાએ આક્ષેપો કર્યા હતા. બે દિવસ પુર્વે રીંકુબેનનો મૃતદેહ ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાંથી એક ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોતાને ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં ગાંધીચિંઘ્યા માર્ગે જવાની ચિમકી પણ દાહોદ જિલ્લા પોલીસવડાને આપવામાં આવેલ અરજીમાં જણાવ્યુ છે.