દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણના ડુબી જતા મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગતરોજ કેટલાંક તરૂણો તેમજ યુવાનો ધાનપુરના ઉદલ મહુડા વિસ્તારમાં પશુઓ ચરાવવા માટે ગયાં હતાં ત્યારે અંદરપુરા ગામના ઝરી ફળિયામાં રહેતા બારીયા ઈન્દ્રજીત અભેસિંગ તેમજ બારીયા હાર્દિક વિજયભાઈ (ઉ.વ. આશરે નવ વર્ષ) પણ પશુઓ ચરવવા ગયાં હતાં. ત્યારે બપોરે ઈન્દ્રજીત તેમજ હાર્દિક બંન્ને તરૂણો તેમના સહ મિત્રોને પોતે તળાવમાં નાહવા જાય છે, તેમ કહીને નાહવા ગયા હતાં. ત્યાર પછી તેઓ બંન્ને મોડી સાંજ સુધી પરત ન આવતાં અન્ય મિત્રોએ તેમની શોધખોળ હાથ ધરતાં બંન્ને મિત્રો મળ્યા ન હતાં જેથી બંન્ને તળાવમાં તપાસ કરતાં બંન્ને તરૂણો તળાવમાંજ ડુબી ગયાં હોવાનું જણાયું હતું. તપાસ કરતાં બંન્ને તરૂણોના મૃતદેહો મળી આવ્યાં હતાં. જેની જાણ બંન્ને તરૂણોના પરિવારજનોને કરવામાં આવતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાની પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંન્ને તરૂણોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે ધાનપુર પોલીસે અકસ્માત મોતના ગુનોના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.