દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાંચ ગામે એક મોટરસાઈકલના ચાલકે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલને ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જ્યારે અન્ય એક શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના વાખસીયા ગામે નાનાવાખસીયા ફળિયામાં રહેતાં નીલેશભાઈ જુવાનસીંગ બારીઆ તથા તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળી બે વ્યક્તિઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ દેવગઢ બારીઆથી પરત ધાનપુર ખાતે પોતાના ઘરે આવી રહ્યાં હતા. તે સમયે રસ્તામાં તરમકાંચ ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નીલેશભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં નીલેશભાઈ અને તેમની સાથેના અન્ય એક વ્યક્તિ મળી બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટાકાયાં હતા. જેને પગલે નીલેશભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં નીલેશભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથેના અન્ય એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. માર્ગ અકસ્માત સર્જનાર મોટરસાઈકલના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી અને તે માર્ગ અકસ્માત સર્જી પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં આ સંબંધે મૃતક નીલેશભાઈના પિતા જુવાનસીંગ સુરસીંગભાઈ બારીઆએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.