દાહોદ, ધાનપુર તાલુકાના ખજુરી ગામે પુના કોટા ચોકડી પર બપોરના સમયે ચાલકની ગફલત અને વધુ પડતી ઝડપને કારણે પૂરપાટ દોડી આવતી મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક તથા તેની પાછળ બેઠેલ 19 વર્ષીય આશાસ્પદ યુવાન મળી કુલ બેનું સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ એકને ઇજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન થઈ રહેલો વધારો સૌને ચિંતિત કરી રહ્યો છે. એક ઘટનાની શાહી સુકાઈ ન સુકાઈ ત્યાં તો બીજી ઘટના પોલીસ દફતરે નોંધાતી જોવા મળી રહી છે. તેવા સમયે ગરબાડા તાલુકાના ઝરી બુજર્ગ ગામના મુડીયા ફળિયામાં રહેતા વિનુભાઈ કાળુભાઈ સંગોડ પોતાના કબજાની જઊઙ્મીહર્ઙ્ઘિ મોટર સાયકલ પર 19 વર્ષીય અનેસિંગભાઈ જગુભાઈ તથા જયદીપભાઇ સબીરભાઈ ભુરીયાને પાછળ બેસાડી પોતાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા ચાલક વિનુભાઈ સંગોડની ગફલત અને મોટરસાયકલની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ખજુરી ગામે પુનાકોટા ચોકડી પર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિનુભાઈ કાળુભાઈ સંગોડ તથા તેની પાછળ બેઠેલ 19 વર્ષીય આશાસ્પદ યુવાન અને સિંગભાઈ જગુભાઈને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તે બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ પર તે બંનેની પાછળ બેઠેલ જયદીપભાઇ સબીરભાઈ ભુરીયાને શરીરે ઓછી વધતી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ધાનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત જયદીપભાઇ સબીરભાઈ ભુરીયાને સારવાર માટે 108 મારફતે તાબડતોબ ધાનપુર સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો. તેમજ મરણ જનાર વિનુભાઈ કાળુભાઈ સંગોડ તથા અનેસિંગ જગુભાઈનીની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ બંને મૃતકોની લાશનુ પંચનામું કરી બંને લાશને પોસ્ટ મોર્ટમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી ધાનપુર પોલીસે આ સંદર્ભે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.