દાહોદ,
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે આશ્રમ શાળામાં પ્રિન્સિપાલ સહિત 25 થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે ની હાલત વધુ ગંભીર જણાતા તેઓને દાહોદ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આરોગ્ય અધિકારી સહિતની ટીમે આશ્રમ શાળા ખાતે પહોંચી ભોજનના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.
અગાસવાણી ગામે આવેલી શ્રી સત્યનામ આશ્રમશાળામાં એકથી પાંચ ધોરણમાં 137 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સાંજે ભોજન લીધા બાદ પ્રિન્સિપાલ સહિત 25 થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં તેઓને ઉલટી થવાની શરૂ થઈ હતી. જેના પગલે આશ્રમ શાળાના સંચાલકો તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. એકસાથે 25 થી વધુ બાળકોની તબિયત લથડતા તમામ બાળકોને નજીકના પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જયાં બે બાળકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આશ્રમ શાળાના બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ સ્થાનિક વહીવટી તંત્રને થતાં મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્યની ટીમ તાબડતોડ ધટના સ્થળે પહોંચી હતી. બાળકોએ આરોગેલા ખોરાકના સેમ્પલો લઈ તેને તપાસ માટે લેબમાં મોકલી આપ્યા હતા. બાળકોને એકસાથે ખોરાકી ઝેરની અસર કેવી રીતે થઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે.