ધાનપુરના આમલી મેનપુર ગામેથી પીપેરા જવાના રસ્તા ઉપર શંકાસ્પદ ટ્રેકટરને રોકી ટ્રોલીની નીચે સંતાડેલ 1.42 લાખના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

રાત્રી પેટ્રોલિંગ કરી વહેલી પરોઢે પરત ફરી રહેલ ધાનપુર પોલીસે આમલી મેનપુર ગામે પીપેરો તરફ જતા રોડ પરથી પસાર થઈ રહેલા શંકાસ્પદ લાગતા ટ્રોલી સાથેના એક ટ્રેક્ટરને રોકી ટ્રેક્ટરની ટ્રોલીના નીચેના ભાગમાં સંતાડેલ રૂપિયા 1,42,970/-ની કુલ કિંમતનો વિદેશી દારૂ બિયરના જથ્થો ઝડપી પાડી રૂપિયા છ લાખની કિંમતનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર મળી કુલ રૂપિયા 7,42,970/-નો મુદ્દામાલ કબજે લઈ ટ્રેક્ટર ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લાની ધાનપુર પોલીસ રાત્રી પેટ્રોલિંગમાંથી પરત ધાનપુર પોલીસ સ્ટેશનમાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં આમલી મેનપુર ગામે પીપેરો તરફ જતા રોડ પરથી પસાર થઈ રહેલ જીજે.20.બી.1924 નંબરનું લાલ કલરની ટ્રોલી સાથેનું સોનાલીકા ઇન્ટરનેશનલ ટ્રેક્ટર ના ચાલક ધાનપુરના અગાશવાણી ગામના ભાભોર ફળિયામાં રહેતા ગોવિંદભાઈ લેરિયા ભાઈ ચૌહાણે પોલીસની ગાડી જોઈ પોતાનું ટ્રેક્ટર પીપેરો તરફ જતા રોડ પર ભગાવી મુકતા, પોલીસને શંકા પડતા ધાનપુર પોલીસે તે ટ્રેક્ટર નો પીછો કરી પીપેરો તરફ જતા રોડ પરથી પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી ટ્રેક્ટરની ટ્રોલીની તલાસી લઈ ટ્રોલીના નીચેના ભાગે સંતાડીને રાખેલ રૂપિયા 1,42,970/-ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઇંગલિશ દારૂ તથા બીયરની બોટલ નંગ-1024 પકડી પાડી સદર દારૂ બિયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 6 લાખની કિંમતનું લાલ કલરની ટ્રોલી સાથેનું સોનાલીકા ઇન્ટરનેશનલ ટ્રેક્ટર મળી કુલ રૂપિયા 7,42,970/-નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલ ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.