દે.બારીઆ, ધાનપુર તાલુકા મથકે સીએસસી (કોમન સર્વિસ સેન્ટર)સેન્ટરો ઉપર સ્ટેટ બેંક તેમજ આરબીઆઈના કર્મીઓ દ્વારા કમિશન તેમજ રજીસ્ટરને લઈ આકસ્મિક તપાસ હાથ ધરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તેમજ અન્ય સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયા છે. જયારે ધાનપુર ખાતે તપાસ હાથ ધરાતા દે.બારીઆના સેન્ટરો ટપોટપ બંધ થઈ ગયા હતા.
ધાનપુર તાલુકા મથકે બેંકોનો નાણાંકિય વ્યવહારોમાં લોકોને સરળતા રહે અને ખાતેદારોને બેંકો સુધી લાંબા ન થવુ પડે તે માટે બેંકો દ્વારા ઓનલાઈન નાણાંની આપ-લે કરવા માટે સીએસસી સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં સેન્ટરના સંચાલકને બેંક દ્વારા કોડ આપવામાં આવે છે. તેમજ જે ઓનલાઈન રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવે તેનુ કમિશન પણ બેંક દ્વારા આ સંચાલકોને ચુકવાય છે. ત્યારે કેટલાક સીએસસી સેન્ટરના સંચાલકો દ્વારા બેંકના નિયમો નેવે મુકીને રૂપિયાની લેવડ-દેવડ માટે આવતા લોકો પાસેથી મનફાવે તેમ કમિશન લેતા હોવાની ફરિયાદો સામે આવતા આરબીઆઈના કર્મચારીઓ દ્વારા ધાનપુર ખાતે આવેલા સીએસસી સેન્ટરો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરકાયદે સેન્ટર ચલાવતા તેમજ વધુ કમિશન લેતા સીએસસી સેન્ટરના સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનુ જોવા મળ્યુ હતુ. દે.બારીઆમાં પણ કેટલાક સંચાલકો મોટી સંખ્યામાં બેંકના નિયમોની ઉપરવટ જઈ બેંકના કોડ વગર વધુ કમિશન વસુલતા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.