ધાનપુરના ભાણપુર ગામેથી ૫.૪૫ લાખના દારૂ ના જથ્થા સાથે આરોપીને ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપ્યો

ગોધરા,
ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધાનપુર તાલુકાના ભાણપુર ગામેથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ની હેરાફેરી કરતા આરોપીને કુલ રૂ.૫,૪૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમાર તેમજ સ્ટાફની ટીમે દાહોદ જિલ્લાના પોલીસ મથકોના વિસ્તારમાં વોચમાં હતા. તે દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામ મધ્ય પ્રદેશ રાજ્યની બોર્ડર પર આવેલું ગામ હોવાથી અને અહીંથી જંગલ વિસ્તારમાંથી પસાર થતા કાચા રસ્તાઓ ઉપરથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ની હેરાફેરી કરવામાં આવે છે.જેથી પોલીસે અહીં જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ખેપીયો કમલેશ બારીયા દ્વારા પોતાની બોલેરો ગાડીમાં વિદેશી દારૂ ના જથ્થા સાથે પસાર થઈ રહ્યો હતો. જેથી પોલોસે તેને રોકી ગાડીમાં તપાસ કરતા કુલ રૂ. ૨,૪૦,૦૦૦ નો વિદેશી દારૂ તેમજ બોલેરો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫,૪૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયા કમલેશ બારીયાની ધરપકડ કરી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.