દાહોદ, પોતાના માવતર સાથે પોતાના ઘરે સુતેલી ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામની સગીરાને પત્ની તરીકે રાખવા ધાનપુરના ઉડાર ગામનો યુવાન પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ગાંગરડી ફળિયા ગામનાવ નિશાળ ફળિયામાં રહેતી સવા સત્તર વર્ષીય સગીરા ગત તા. 17-5-2023ના રોજ રાત્રીના સમયે પોતાના માવતર અને ભાઈ-બહેન સાથે સુતી હતી. તે વખતે ઉડાર ગામના સરપંચ ફળીયામાં રહેતા નિલેશ અભેસીંગ મોહનીયાએ આવી સગીરાને જગાડી પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ અપહૃત સગીરાના માતા-પિતાએ આ મામલાનો સામાજીક રીતે નિકાલ લાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે અપહૃત સગીરાના પિતાએ ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઉડાર ગામના અપહરણકર્તા નિલેશભાઈ અભેસીંગ મોહનીયા વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.