ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું

પાલનપુર,ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લોક્સભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધર્યુ છે. જોઇતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઇતા પટેલે રાજીનામુ ધરી દેતા, કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસ માટે લોક્સભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરાં બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે રાજીનામુ ધરી દીધુ છે. તેઓએ કોંગ્રેસને રામ રામ કરી દઇ પ્રદેશ કોંગ્રેસ સમિતિને પોતાનું રાજીનામુ મોકલી આપ્યાના સમાચાર છે.

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં મહત્વના આગેવાન તરીકે જોવામાં આવે છે. તેઓ ત્રણ વાર ધાનેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈ જશે એવી શક્યતા છે. શક્તિસિંહ ગોહિલને સંબોધીને જોઇતા પટેલે રાજીનામુ ગત ૨૬ ફેબ્રુઆરીએ લખ્યુ હતુ.