પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાંથી જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. ધીંગાણામાં ઈજાગ્રસ્ત થયેલા ૮ લોકોને સારવાર માટે ધાનેરા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ધોનરા પોલીસે સમગ્ર મામલે ૧૨ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બુધવારે જમીન મામલે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને જૂથોના લોકો લાકડી અને ધોકા લઈને સામ સામે આવી ગયા હતા. બંને જૂથે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં ધાનેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જે બાદ ઈજાગ્રસ્ત ૪ મહિલાઓ અને ૪ પુરુષને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામ સામે ૧૨ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતે ધાનેરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.