
જૌનપુર, બહુજન સમાજ પાર્ટીએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની જૌનપુર લોક્સભા સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. બસપાએ અગાઉ શ્રીકલા રેડ્ડીને શ્યામ સિંહ યાદવની ટિકિટ કાપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, પાર્ટીએ હવે ફરી એકવાર શ્યામ સિંહ યાદવ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટિકિટ આપી છે.
શ્રીકલાએ જૌનપુર લોક્સભા સીટથી બહુજન સમાજ પાર્ટીના ચિહ્ન પર ઉમેદવારી નોંધાવી હતી. બસપા દ્વારા જૌનપુરથી શ્રીકલાનાં નામની ઘોષણા બાદથી જૌનપુરના ચૂંટણી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ કૃપાશંકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેની તરફથી બાબુ સિંહ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. શ્રીકલા ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ એવું માનવામાં આવતું હતું કે માત્ર ભાજપ અને બસપા વચ્ચે જ મુકાબલો થશે. પરંતુ શ્યામ સિંહ યાદવની મેદાનમાં એન્ટ્રી થતાં હવે મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.
જૌનપુરથી બસપાના સાંસદ શ્યામ સિંહ યાદવે કહ્યું કે બહુજન સમાજ પાર્ટીએ તેમને ફરીથી જૌનપુરથી ઉમેદવાર બનાવ્યા છે. શ્યામ સિંહ યાદવનું કહેવું છે કે રાત્રે ૧ વાગ્યે તેમને બસપા સુપ્રીમો માયાવતીનો ફોન આવ્યો અને કહ્યું કે તેમને જૌનપુરથી ફરીથી બસપા ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે અમે હંમેશા પાર્ટી સાથે ઉભા છીએ. આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. હવે અમે હંમેશા જૌનપુરના લોકોની સાથે ઉભા રહીશું. ઉપરાંત, તેમને વધુમાં કહ્યું હતું કે મારું પ્રતીક બપોરે ૧ વાગ્યે આવશે. ત્યાર બાદ હું નોમિનેશન ફાઈલ કરીશ.